જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં ગોપાલ ચોકમાં દુકાન ધરાવતા દુકાનદાર પર હુમલો કરી ક્ષત્રીય સખ્સે છરીનો એક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા છે. ઉધારમાં કરિયાણું લેવા આવેલ આરોપીને દુકાનદારે અગાઉના રૂપિયા આપી જવાનું અને ઉધાર ન આપવાનું કહ્યું, ઉસ્કેરાયેલ સખ્સે ઘરે જઈ છરી લઇ પરત આવી દુકાનદાર સમજે તે પૂર્વે હુમલો કરી, છાતીના ડાબા ભાગે એક મરણતોલ ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. નાશી ગયેલ આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. એકાએક પિતાના નિધનથી એકના એક પુત્રએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. આ બનાવના પગલે ક્ષત્રીય પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
જામનગરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગોપાલ ચોકમાં રહેતા સહદેવસિંહ કેશુભા રાઠોડ શ્રીજી પ્રોવીજ્ન સ્ટોર નામની દુકાન ધરાવે છે. ગઈ કાલે રાત્રે તેઓ દુકાને હતા ત્યારે બાજુમાં રહેતો જયદીપસિંહ ઉર્ફે મૂંગો કેશુભા વાળા નામનો સખ્સ કારીયાનું લેવા આવ્યો હતો. જો કે દુકાનદાર સહદેવસિંહએ અગાઉના માલસામાનના બાકી રૂપિયા આપી જવા કહી પૈસા વગર માલ આપવાની ના પાડી હતી. જેને લઈને ઉસ્કેરાઈ ગયેલ આરોપી જયદીપ પોતાના બાજુમાં આવેલ ઘરે ગયો હતો અને છરી સાથે બહાર આવી, દુકાનદાર કઈ સમજે તે પૂર્વે જ આરોપીએ છરીનો એક ઘા દુકાનદારના છાતીના ડાબા પડખાના ભાગે ફટકારી દીધો હતો.
એકાએક થયેલ હુમલાને લઈને દુકાનદાર સહદેવસિંહ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બનાવના પગલે હા હો થઇ જતા સહદેવસિંહના પત્ની ઉર્મિલાબા અને પુત્ર ઋતુરાજસિંહ પણ ઘર બહાર આવી ગયા હતા. જ્યાં લોહી લુહાણ હાલતમાં પડેલ સહદેવસિંહને જોયા હતા. પરિવાર બહાર આવતા જ આરોપી નાશી ગયો હતો. જયારે ઘવાયેલ દુકાનદારને તાત્કાલિક કારમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ ક્ષત્રીય પરિવારના સગા સબંધીઓ હોસ્પિટલ પરિસર પહોચ્યા હતા. જો કે તેઓને સારવાર મળે તે પૂર્વે જ દુકાનદાર સહદેવસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકના પિતરાઈભાઈ કિશોરસિંહ નવલસંગ રાઠોડની ફરિયાદ નોંધી નાશી ગયેલ આરોપીની શોધખોળ શરુ કરી છે.
દુકાનદાર સહદેવસિંહ પોતાના ઘર પાસે જ કારીયાણાની દુકાન ચલાવતા હતા. તેઓના પરિવારમાં પિતા કેશુભા વાળા, માતા મંછાબા તેમજ ૧૬ વર્ષીય પુત્ર ઋતુરાજસિંહ અને પત્ની ઉર્મિલાબા છે. એકાએક આવી પડેલ ગોજારી આફતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.