જામનગરમાં દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ડીગ્રી વગર બેરોકટોક મેડીકલ પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ ચાર દિવસમાં બીજી વાર પકડાયો છે. ચાર દિવસ પૂર્વે પંચકોશી બી ડીવીજન પોલીસે પરપ્રાંતીય સખ્સને દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો, કાયદાકીય કાર્યવાહી બાદ મુક્ત થયેલ આ સખ્સએ બીજા જ દિવસે ફરી એ જ ધંધો શરુ કરી જામજોધપુર પંથકમાં જનઆરોગ્ય સાથે ચેડાઓ શરુ કરી દેતા સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં પંચકોશી બી ડીવીજન પોલીસે દરોડો પાડી કોઈ પણ ડીગ્રી વગર દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી દવા-ચિકિત્સા કરતા દિલીપ મહંતો નામના સખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સને બીજા દિવસે કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો જ્યાં કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. કાયદાકીય કાર્યવાહી થયા બાદ આ સખ્સે દરેડ છોડી જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે ફરી એ જ ધંધો શરુ કરી દીધો હતો. અહી મેઇન બજારમાં નારાયણ શીટ કવરની બાજુમાં આવેલ દુકાનમાં આ સખ્સે કલીનીક ચાલુ કરી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ફરી ચેડા શરુ કરી દીધા હોવાની શેઠ વડાળા પોલીસને હકીકત મળી હતી જેના આધારે પીએસઆઈ ઝાલા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી. જેમાં દિલીપ મહંતો આબાદ પકડાઈ ગયો હતો. પોલીસે તેના કલીનીક પરથી દવા સહિતનો મુદ્દામાલ કબજે કરી, ફરી મેડીકલ પ્રેક્ટીશનર ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી. ચાર જ દિવસમાં આરોપી ફરી પ્રેક્ટીસ કરતા પકડાઈ જતા કાયદાની છટકબારીની ખ્યાલ આવે છે.