જામનગર: ખંભાળિયા ધોરી માર્ગ પર તીપલ અકસ્માત, ૧૫ ને ઈજા

0
2008

ટ્રક ચાલકે ઓચિંતી બ્રેક મારતાં ખાનગી કંપની ના કર્મચારીઓ સાથેની લક્ઝરી બસ ટકરાઈને રોડ થી નીચે ઉતરી પાછળ આવી રહેલી કાર પણ અથડાઇ

ખાનગી લક્ઝરી બસમાં બેઠેલા ૧૫ મુસાફરોને નાની મોટી ઇજા: એક યુવાનના બંને પગ કપાયા: પોલીસ તંત્ર દોડતું થયું

૧૦૮ ની ચાર એમ્બ્યુલન્સ તથા ખાનગી કંપનીની ત્રણ એમ્બ્યુલન્સ સહિત સાત વાહનોમાં ઇજાગ્રસ્તો ને જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામના પાટીયા પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો છે. આગળ જઈ રહેલા ટ્રક ચાલકે ઓચિંતી બ્રેક મારતાં પાછળથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસ અને કાર ટકરાઈ ગયા હતા. જે ત્રિપલ અકસ્માતમાં લક્ઝરી બસમાં બેઠેલા ૧૫ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. જેમાં એક યુવાનના બે પગ કપાયા છે. પોલીસ તંત્ર, ફાયર વિભાગ તથા ૧૦૮ ની ટુકડી દોડતી થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ અને રાવલસર ગામ વચ્ચે ના માર્ગે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલકે ઓચિંતિ બ્રેક મારી દીધી હતી, જેના કારણે પાછળ આવી રહેલી એક ખાનગી બસ ટ્રક સાથે ટકરાઈને રોડથી નીચે ઉતરી ગઈ હતી. ઉપરાંત એક કાર પણ બસની સાથે ટકરાઈ ગઈ હતી.


જે ત્રિપલ અકસ્માતમાં લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરો ઘાયલ થયા હતા. મોટી ખાવડી સ્થિત ખાનગી કંપની ના કર્મચારીઓ ને લઈને લક્ઝરી બસ જામનગર તરફ આવી રહી હતી, જે દરમિયાન વસઇ ના પાટીયા પાસે આ અકસ્માત નડ્યો હતો. જે ઘટનાની જાણ થતાં ભારે દોડધામ થઈ હતી.
જામનગર ની ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ ટુકડી સૌપ્રથમ ઘટના સ્થળે દોડી હતી, ત્યારબાદ જામનગરની ૧૦૮ ની ચાર એમ્બ્યુલન્સ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યારે રિલાયન્સ કંપનીની ત્રણ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે સાતેય વાહનોમાં કુલ ૧૫ જેટલા ઇજાગ્રરસ્તો ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે જી.જી. હોસ્પિટલમાં પણ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.


એક યુવાન કે જેના બંને પગ બસની અંદર ફસાયા હતા, અને પગમાં ગંભીર ઇજા થઈ હતી. જેને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો, અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. જેના બંને પગ ક્ષતિ ગ્રસ્ત બની ગયા છે.
આ ઘટનાની જાણ થવાથી પંચકોશી બી. ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને સિક્કા પોલીસની ટુકડી પણ દોડતી થઈ હતી, અને અકસ્માત મામલે વધુ તપાસ ચલાવાઇ રહી છે.

NO COMMENTS