જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની શેઠવડાળા તાલુકા શાળાના મદદનીશ શિક્ષકને પોતાની શાળાના એક વિધાર્થીને માર મારવા અંગેના પ્રકરણમાં શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું છે. શિક્ષકને નોકરીમાંથી પાણીચું આપી દેવાતાં શિક્ષણ જગતમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં આવેલી શેઠવડાળા તાલુકા શાળાના મદદનીશ શિક્ષક વિનોદ દેવશી વાઘેલાએ ગત ૮મી જાન્યુઆરીના દિવસે પોતાની શાળામાં અભ્યાસ કરવા આવતા એક વિદ્યાર્થીને પટ્ટા વડે માર માર્યો હોવાનું અને ગળું દબાવીને ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર જાગી હતી. આ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા શેઠવડાળા પોલીસ મથકમાં મદદનીશ શિક્ષક સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી.જો કે આરોપી શિક્ષક ધરપકડથી બચવા માટે ભાગી છૂટ્યો હતો જે હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.બીજી તરફ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આજે શિક્ષક સામે ફરજ મોકુફી હેઠળનો ઓર્ડર કાઢયો છે, અને મદદની મદદનીશ શિક્ષક વિનોદ દેવશીભાઈ વાઘેલાને નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે. જેને લઇને ભારે ચર્ચા જાગી છે.