જામનગર અપડેટ્સ : જામનગર નજીકના કાલાવડ રોડ પર આવેલા વિજરખી ડેમ પાસે ગઇકાલે કોર્ટ મુદત પૂર્ણ કરી પરત ફરી રહેલ જૂનાગઢ કેદી પોલીસ પાર્ટીના વાહનને ટોરસ ટ્રકે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. જો કે આ બનાવમાં ત્રણ કેદી સહિત પોલીસકર્મીઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ વાહનમાં રૂા.70 હજારનું નુકશાની પહોંચી હતી.
જૂનાગઢ જેલમાં રહેલા ત્રણ કેદીઓને લઇ જૂનાગઢ જેલની કેદી પાર્ટી જામનગર મુદતે આવી હતી. જયાં કોર્ટમાં એક વાગ્યે ત્રણેય કેદીઓને રજૂ કરાયા બાદ તેઓ સરકારી વાહનમાં પરત જવા નિકળ્યા હતા. દરમ્યાન જામનગર નજીક કાલાવડ રોડ પર વિજરખી ડેમની ગોલાઇ પાસે સામેથી આવેલ એક ટોરસ ટ્રકે સરકારી વાહનને ઠોકર મારી હતી. જો કે આ બનાવમાં પોલીસ પાર્ટીના જવાનો અને કેદીઓને ઇજા પહોંચી ન હતી પરંતુ સરકારી વાહનમાં રૂા.70 હજારની નુકશાની પહોંચી હતી. આ બનાવ અંગે જૂનાગઢ કેદી પાર્ટીના કોન્ટ્રાકટ બેઇઝના કર્મચારી સંદિપ રાવલીયાએ પંચકોષી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.