માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેના ગમમાં તેમજ અભ્યાસના ટેન્શનમાં ગળાફાંસો ખાઈ જીવ દીધો
જામનગર: જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા અને ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. બે વર્ષ પહેલાં માતાનું અવસાન થયું હોવાથી તેના ગમ માં તેમજ અભ્યાસના ટેન્શનમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની શેરી નંબર ૧૧ માં રહેતા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા કુલદીપ કિશોરભાઈ વાઘેલા નામના ૧૫ વર્ષના વિદ્યાર્થીએ આજે સવારે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતક ના પિતા કિશોરભાઈ આલાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો, જેનો ટેન્શન રહેતું હોય, તેમજ તેની માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેનો પણ ગમ હોવાના કારણે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.