જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા એક કપાતર પુત્રએ માતા-પિતા પર હુમલો કરી, પિતાને પટ્ટે-પટ્ટે ફટકારી લોહી લુહાણ કરી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પિતાનું રાજડા ગામે આવેલ મકાન પોતાના નામે કરી દેવા દબાણ કરી પુત્રએ કળીયુગનું રૂપ ધારણ કરી લીધુ હોવાનું સામે આવ્યું છે.
કાલાવડ તાલુકા મથકથી 17 કિ.મી. દૂર આવેલા નિકાવા ગામે રહેતા અરવિંદભાઇ પોમાભાઇ કંટારીયા (ઉ.વ.52) નામના પ્રૌઢ પર તેના જ કપાતર પુત્ર વિજય કંટારીયાએ ગઇકાલે રાત્રીના નવેક વાગ્યે ઘરે આવી બિભત્સ વાણી વિલાસ આચર્યો હતો. રાજડા ગામે આવેલ પિતા અરવિંદભાઇના નામનું મકાન પોતાના નામે કરી દેવા કહેતા પિતાએ ના પાડી દીધી હતી. જેને લઇને ઉશ્કેરાઇ ગયેલા કપાતર પુત્રએ માતા-પિતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. આટલુ ઓછુ હોય તેમ પોતાના હાથમાં રહેલ લોખંડના બકલવાળા પટ્ટા વડે શરીરે જેમ ફાવે તેમ માર મારી પિતાને મુંઢ ઇજા પહોંચાડી હતી તેમજ પટ્ટાનું બકલ ડાબી આંખ ઉપળના કપાળના ભાગે વાગતા પ્રૌઢ પિતા લોહી લુહાણ થઇ ગયા હતા. આટલુ ઓછુ હોય તેમ કપાતર પુત્રએ માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં પિતા અરવિંદભાઇએ કળીયુગી પુત્ર સામે આઇપીસી કલમ 323, 324, 504, 506(2) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.