જામનગર નજીક ખીજડીયા સોલ્ટમાં બેનની સગાઈનાં પ્રસંગમાં ભાઈથી પોતાની માતાનો ઠપકો સહન નહીં થતાં ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે. જેથી ભારે કરુણાતિકા સર્જાઈ છે. સગાઈ ના પ્રસંગમાં મદદ નહીં કરનાર ભાઈને માતાએ ઠપકો આપતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર તાલુકાના ખીજડીયા સોલ્ટમાં રહેતા નિલેશ જેસિંગભાઈ મકવાણા નામના ૧૮ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ બની ગયા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નીતિનભાઈ જેસીંગભાઇ મકવાણાએ પોલીસ ને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક નિલેશ ના કુટુંબી ભાઈ સુરેશભાઈ ની પુત્રીઓને ત્યાં સગાઈ નો પ્રસંગ હોવાથી મૃતક યુવાન અને તેનો ભાઈ વગેરે આવ્યા હતા, અને કોઈ કામમાં મદદ કરતા ન હતા જેથી તેની માતા કમુ બેને ઠપકો આપ્યો હતો. અને આપણે બહેનોની સગાઈના પ્રસંગમાં આવ્યા છીએ, જેમાં તમે કોઈ મદદ કરતા નથી, અને તૈયાર થઈને માત્ર આંટાફેરા જ કરો છો, તેમ કહી ઠપકો આપ્યો હોવાથી માઠું લાગી આવતાં ઝેરી દવા પી લઇ મોતને મીઠું કરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.