જામનગર : ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયેલ નિર્ણયને પગલે રાજ્યભરમાં ભાજપના જુના જોડીઓ માથે સંકટના વાદળો રચાઈ ગયા છે. ૬૦ વર્ષની ઉમરની બાધા અને ત્રણ ટર્મ પૂર્ણ કરી ચૂકેલ સીનીયર નગરસેવકોને આગામી ઈલેકશનમાં ટીકીટ નહિ ફાળવવા નિર્ણય કરાયો છે ત્યારે આ નિર્ણયને લઈને ગાંધીનગરથી માંડી જામનગર સુધીની મહાનગરપાલિકાઓમાં આ બાબત ટોકિંગ પોઈન્ટ બની છે અને સાથે સાથે કયા સીનીયર કપાઈ જશે તેની પર પણ ચર્ચાઓ શરુ થઇ ગઈ છે.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આજે મહત્વનો કહી સકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ત્રણ ટર્મ લડી ચૂકેલ સીનીયરોને ટીકીટ ન ફાળવવા, તેમજ ૬૦ વર્ષથી ઉપરની ઉમરના સીનીયરસને પણ ટીકીટ નહી આપવા નક્કી કરાયું છે. આ ઉપરાંત ત્રણ ટર્મ પૂરી કરી ચૂકેલ આગેવાનોના સગાઓને પણ ટીકીટ નહિ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને જામનગર ભાજપમાં ભૂકંપ સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ નિર્ણયના પગલે ભાજપના અનેક સીનીયર નગરસેવકોને ઘરે બેસવાનો વારો આવી શકે છે. જેમાં ભૂતકાળમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ ચેર્મેર રહી ચૂકેલ અનેક કદાવર નેતાઓનો સમાવેશ થઇ જાય છે. આ નિર્ણયને લઈને અનેક મોટા માથાઓને ઘરે બેસવા તેમજ ભાજપમાં બળવો થવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે.