જામનગર જીલ્લાના જામજોધપુર નજીક આવેલ સીદસર ગામે માં ઉમાના ધામમાં માતાનો સવા સતાબ્દી વર્ષ નીમીતે કડવા પાટીદાર સમાજ દ્વારા પાંચ દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, સમાજના જુદા જુદા પાયાઓ પર ગહન સેસનના આયોજન કરવામાં આવ્યા, દુનિયાભરમાંથી હાજર રહેલ કડવા પાટીદારોએ જમાવટ કરી દીધી, કોઈ એક બાબતે નહિ પણ ધર્મ અને ધાર્મિક સ્થળને સાથે રાખી વર્તમાન સમયને અનુરૂપ તમામ પાસાઓ પર સમાજનો સર્વાંગી વિકાસ કેમ થાય એવી ગહન ચર્ચાઓ કરવામાં આવી, સમાજના રાજકીય, સામાજિક, ઔદ્યોગિક સહિતના આગેવાનોની હાજરીમાં જુદા જુદા છ પ્રકલ્પો નક્કી કરાયા જેમાં શિક્ષણ, વ્યાપાર-ઉદ્યોગ, કૃષિ સહીતના પાયાના મુદ્દાઓને વણી ગોલ નક્કી કરવામાં આવ્યા છે. લાખોની મેદનીને પાંચ દિવસ એક તાતણે બાંધી ઉચ્ચ કોટિના સામાજિક-ધાર્મિક પ્રસંગને સુવ્યવસ્થિત આયોજિત કેવી રીતે કરી શકાય એ ઉદાહરણ સવા શતાબ્દી મહોત્સવે પૂરું પાડ્યું છે.
કડવા પાટીદાર સમાજના કુળદેવી માતા ઉમિયાજીના ૧૨૫માં પ્રાગટ્ય વર્ષને સવા સતાબ્દી વર્ષ તરીકે ઉજવવા નક્કી કરવામાં આવ્યું, તા. ૨૫મી ડીસેમ્બરથી 29મી ડીસેમ્બર સુધી માતાના સાનિધ્યમાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું, કેન્દ્રના પૂર્વ મંત્રી પરસોતમ રૂપાલાની હાજરીમાં મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ તમામ દિવસોમાં સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં અનેક નામી અનામી સંતો મહંતો અને શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. પાંચ દિવસ દરમિયાન ધર્મ, શિક્ષણ, આરોગ્ય, ખેતી અને ઉદ્યોગ સહીત અનેક આયામો પર જુદા જુદા સંમેલનો યોજાયા હતા. જેમાં સમાજના ઉચ્ચકોટીના સમાજ રત્નો જોડાયા હતા. આ વખતે ઉમિયા સમૃદ્ધિ યોજના-3ને સાકાર કરવા જુદા જુદા આયામો માટે ૪૦૦ કરોડના ખર્ચે રાજ્યભરમાં શિક્ષણ, ધાર્મિક અને આરોગ્ય ક્ષેત્રે નવી સેવા-સુવિધાઓ વિકસાવવા બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. કડવા પાટીદાર સમાજના ઉચ્ચ કોટીના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવેલ બ્લુ પ્રિન્ટને પાટીદાર શ્રેષ્ઠીઓએ વધાવી લઇ ઉદાર હાથ દાન આપ્યું છે.
જેમાં આગામી ૨૦૨૭ સુધીમાં સમૃદ્ધિ યોજના ત્રણ અંતર્ગત સીદસર મંદિરના સામા કાઠે વેણુ નદી કિનારે ૩૦ વીઘામાં ઉમા વાટિકા બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર ખાતે શ્રી ઉમા શૈક્ષણિક હોસ્ટેલ બનાવવા અને રાજકોટ (ઈશ્વરીયા) ખાતે શ્રી ઉમા શૈક્ષણિક સંકુલ ઉભું કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. ઉપરાંત દ્વારકા, સોમનાથ, અયોધ્યા જેવા ધાર્મિક સ્થળોએ સમાજ વાડીઓ સહિતની સુવિધાઓ વિકસાવવા પણ નક્કી કરવામાં આવ્યું છે એમ સીદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જેરામબાપા વાંસજાળીયાએ જણાવ્યું હતું. આ ઉત્સવ દરમિયાન વિશાળ ડોમમાં પ્રવચનો, સાંજે મંદિર પરિસરમાં અદ્ભુત લાઈટીંગ સો અને વેણુ નદીના ઘાટ પર મહા આરતી અને હાજર તમામ માટે મહા ભોજન અને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.