જામનગર: ‘જામ સાહેબ સ્ટેન્ડ ક્લીયર કરે, અમારી સાથે કે મોદીની સાથે? કોલ રેકોર્ડિગ વાયરલ

0
1800

ગુનો છે તે માફને લાયક નથી એવો પ્રથમ પત્ર જામ રાજવી શત્રુસેલ્યજીએ જાહેર કરી ચુંટણી હરાવવા હાકલ કર્યા બાદ બીજા જ દિવસે નરમ પડી ગયા અને કહ્યું ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા આપી સમાધાન કારી વલણ અપનાવવા અનુરોધ કર્યો હતો. બીજા પત્રને લઈને રાજપૂત સમાજમાં રોષ ફેલાયો અને જામ સાહેબના ૨૪ કલાકમાં બદ્લાયેલ સુરને જોવા મળ્યા,

૧૯ માર્ચથી માંડી આજ દિવસ સુધી રાજકીય ગલીયારાઓમાં સૌરાષ્ટ્ર છવાયેલું રહ્યું છે અને ક્યાં સુધી આવો માહોલ રહેશે એ કોઈ કળી શકતું નથી. ક્ષત્રિયો પ્રત્યેના રૂપાલાના અશોભનીય નિવેદન બાદ ક્ષત્રીય સમાજ રોષે ભરાયો, ગોંડલમાં આગેવાન જયરાજસિંહ જાડેજાની આગેવાની નીચે રૂપાલાની હાજરીમાં સમાધાનની ફોર્મ્યુલા રચાઈ, પણ રાજપૂત સમાજે આ ફોર્મ્યુલાનો અસ્વીકાર કરી વિરોધ ચાલુ રાખ્યો, ન માત્ર ચાલુ રાખ્યો પણ તીવ્રતા પણ આપી, રાજકોટથી શરુ થયેલ વિરોધનો વંટોળ રાજ્યના સીમાડા વટાવી ચુક્યો છે રજપૂતો રૃપાલાની ટીકીટ રદને લઈને અટલ છે તો સામે પક્ષે ભાજપાએ પણ હથિયારો સજાવી લઇ રૂપાલાને જ ચુંટણી લડાવવાનો નિર્ધાર કરી લીધો છે. હવે એક તરફ દેશનો ક્ષત્રીય સમાજ છે અને બીજી તરફ વૈશ્વિક લોકશાહીમાં સૌથી મોટો પક્ષ ભાજપ છે.

આ વિવાદ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં રજવાડાઓએ પણ જંપલાવ્યું, જેમાં સૌથી મોટો વિરોધાભાસ જામનગરના જામ સાહેબના બીજા પત્રએ જન્માવ્યો, પ્રથમ પત્ર બહાર પાડી જામ સાહેબે લોકશાહી ઢબે ન્યાય મેળવવા અને ચુંટણી હરાવી દેવાની હાકલ કરી, જેને લઈને લડત લડતા રાજપૂતોમાં નવું જોમ ઉમેરાયું, આ પત્ર હજુ તમામ રાજપૂતો સુધી પહોચે ત્યાં જ જામ સાહેબે બીજા જ દિવસે વધુ એક પત્ર જાહેર કર્યો, પ્રથમ દિવસના પત્રની આક્રમતા બીજા પત્રમાં એકદમ નરમ વલણમાં પલટાઈ જતા રજપૂતોને આશ્ચર્ય થયું, અને વડાપ્રધાન મોદીને વધુ એક વખત વડાપ્રધાન બનાવવાની વાત કરી,

આ પત્રથી લડતમાં સામેલ રાજપૂતો ઉકળી ઉઠ્યા અને વેધક સવાલો જામ સાહેબને કર્યા, સુરેન્દ્રનગર જીલ્લાના લડત સમિતિના કન્વીનર ગણાવતા વિસુભા ઝાલા અને જામ સાહેબના પ્રતિનિધિ તરીકે કાર્યરત એકતાબા સોઢા વચ્ચે થયેલ કથિત વાતચીતનું કોલ રેકોર્ડીંગ હાલ વાયરલ થઇ રહ્યું છે. જેમાં એકતાબા સમક્ષ વેધક સવાલોની જડી વરસાવવામાં આવી રહી છે. ‘જામ સાહેબના જબાનની કિંમત શું ? આજે બોલેલું બીજા દિવસે બદલી નાખો !!! આવું  રહે તો કોઈ સમાજ તમને નહી માને ? પરસોતમભાઈને માફ કરી દેવા જોઈએ એમ બાપુએ નિવેદન આપેલ છે, તો જામ સાહેબના જબાનની કિમત શું ? તમે તો પ્રજાનું પ્રતિનિધિત્વ કર્યું , આવું કરો તો અન્ય સમાજ પણ નહી માને, જામ સાહેબ સ્ટેન્ડ ક્લીયર કરે અમે રાજપૂતો સાથે છીએ કે મોદી સાથે…? આ ગુનો માફીને લાયક નથી અને સમાજ માફ કરવાના મૂડમાં પણ નથી…લાલ બાપુ ને પણ સમાજે કહી દીધું. જેથી તમે તમારું સ્ટેન્ડ ક્લીયર કરી દ્યો, રાજપૂતો તરીકેનું ગૌરવ હોય તો સ્ટેન્ડ ક્લીયર કરો’ આ વાત બાપુ સુધી પહોચાડજો એમ પણ અંતે વિશુભા નામના વ્યક્તિએ કહ્યું છે. જો કે આ ઓડિયોની સત્યતા અને કોઈ આધાર મળ્યા નથી અમે પણ આ ઓડિયોની સત્યતા અંગેની પુષ્ટિ કરતા નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે લોકશાહીમાં સૌથી મોટો પક્ષ નરમ પડે છે કે પછી લડત સમિતિ ?

NO COMMENTS