જામનગર : જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરીવાર પર હુમલો કરી કાર,રોકડ અને દાગીના સહિત રૂ.8.62 લાખની લૂંટ ચલાવાયા બાદ પોલીસે આદિવાસી ગેંગના એક સાગરિતને પકડી પાડ્યો છે. એલસીબીની તપાસમાં આ લુંટ આદિવાસી ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગેંગના એક સાગરિતને અગ્યાર દિવસના રિમાન્ડ પર લીધો છે. જયારે અન્ય પાંચ સખ્સો કાર સાથે એમપી તરફ નાશી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ગેંગ સુધી પહોચવા કવાયત શરુ કરી છે.
જામનગર નજીકના ખોજા બેરાજા ગામે પખવાડિયા પૂર્વે વાડી વિસ્તારમાં રહેતા મેર પરિવાર પર હુમલો કરી આદિવાસી ગેંગ દ્વારા લુંટ ચલાવવામાં આવી હતી. લુટારુઓએ પિતા પુત્રી અને તેના ભાઈને માર મારી કાર, દાગીના અને રોકડ સહિત રૂપિયા સાડા આઠ લાખની રોકડ લુંટી નાશી ગયા હતા. આ બનાવ અંગે પંચકોશી બી ડીવીજન ઉપરાંત એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જેમાં આ વારદાતને આદિવાસી શ્રમિક ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી ગેંગના એક સાગરિતને પકડી પાડ્યો હતો અને કોર્ટ સમક્ષ રજુ કરી અગ્યાર દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. લુંટ ચલાવ્યા બાદ તમામ લુંટારૂએ મુદામાલનો ભાગ પાડી લીધો હોવાનું સામે આવ્યું હતું. જયારે કાર લઇ અન્ય સખ્સો એમપી તરફ નાશી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ ટોળકી સુધી પહોચવા પોલીસની એક ટુકડીએ એમપી તરફનો રૂટ પકડ્યો છે.