જામનગર: જામનગરના સમાણા એરફોર્સમાં નોકરી કરતા રાજસ્થાની જવાન સાથે બે સખ્સોએ સોનાના સિક્કાના નામે છેતરપીંડી આચરી છે. બંને સખ્સોએ સોનાના સાચા સિક્કા આપવાની લાલચ આપી ખોટા સિક્કા પધરાવી દઈ જવાન પાસેથી રૂપિયા આઠ લાખ પડાવી લીધા હોવાની વિગતો સામે આવી છે. ત્રણ માસ પૂર્વે ઘટેલ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં સમાણા એરફોર્સ સ્ટેશન ખાતે નોકરી કરતા મૂળ રાજસ્થાનના બિકાનેર જીલ્લાના ડુંગરપુર તાલુકાના પારસ કિશનલાલ રાજપુરોહીત નામના ૨૫ વર્ષીય જવાન સાથે ગત તા. ૮/૧૧/૨૦૨૪ના રોજ હિમતનગરના લાલજીભાઇ મોતીરામભાઇ બાવરી અને દીલાભાઇ સલાટ નામના સખ્સોએ ગુનાહિત કાવતરું રચી, મેળાપીપણું કરી જવાનને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી હતી. બંને સખ્સોએ જવાનને સોનાના સાચા સીકકા આપવાની લાલચ આપી, સાચા સિક્કાને બદલે ખોટા સીકકા આપી, આ સિક્કાઓના બદલામાં આઠ લાખ રૂપિયાની રોકડ લઇ લીધી હતી.
પરંતુ પાછળથી જવાને ખરાઈ કરતા ખબર પડી હતી કે બંને સખ્સોએ જે સિક્કાઓ આપ્યા છે તે તમામ સાચું સોનું નહિ પરંતુ નકલી છે. પોતે બંને સખ્સોએ રચેલ જાળમાં સપડાઈ જઈ આઠ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું ભાન થતા જવાને શેઠવડાલા પોલીસમાં જાણ કરી બંને સખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત સબંધે ફરિયાદ દાખલ કરાવી છે. બંને સખ્સોના સગડ મેળવવા પીએસઆઈ પનારા સહીતના સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.