સમસ્ત ગાગિયા (આહિર) પરિવાર રચ્યો ધર્મ ઈતિહાસ, એક સાથે ૨૫૧ લોટીઓ ખોલી, ઇન્ડીયન ટ્રેડીશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

વીસ વીઘા જમીનમાં વિશાળ સમીયાણો ઉભો કરી યોજાયા ત્રિવિધ કાર્યક્રમ, હોમ હવન, મહારાસ, મહાપ્રસાદ, રક્તદાન કેમ્પ, વિદ્યાર્થી સન્માન, વિભૂતિ વક્તવ્ય, લોક ડાયરો, કાન ગોપી મંડળી કીર્તન, લોટી ઉત્સવ સહિતના કાર્યક્રમમાં સહભાગી બન્યો ગાગિયા પરિવાર, સાધુ-સંતો-મહંતો, કેબીનેટ મંત્રી, જામજોધપુર અને જામનગરના ધારાસભ્ય સહિતનાઓની હાજરી

0
433

જામનગર: લાલપુર તાલુકાના ખાયડી ગામે ગોવાણા ચોકડી પાસે જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં વસતા સમસ્ત ગાગીયા (આહીર પરિવાર) દ્વારા ઐતિહાસિક સામૂહિક લોટી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, સમગ્ર રાજયની આ એક એવી વિરલ ધાર્મિક ઘટના બની કે જ્યાં એક સાથે ૨૫૦ ઉપરાંત લોટી ખોલવામાં આવી, આ ધાર્મિક પ્રસંગને ભારતીય રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન હોમ હવન, રક્ત દાન કેમ્પ, મહારાસ, મહાપ્રસાદ, વિદ્યાર્થી સન્માન, વિભૂતિ વક્તવ્ય, લોક ડાયરો, કાન ગોપી મંડળી કીર્તન, લોટી ઉત્સવ સહીત અધ્યાત્મિક- ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  ગાગિયા પરીવારોની સાથે આ ઐતિહાસિક ક્ષણના સાધુ-સંતો-મહંતો, કેબીનેટ મંત્રી, જામજોધપુર અને જામનગરના ધારાસભ્ય સહિતનાઓ સાક્ષી બની ધાર્મિક ભાવના સાથે કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

શું છે લોટી ઉત્સવ? કેવો છે મહિમા

હિન્દુ સંસ્કૃતિમાં લોટી ઉત્સવનું અનેરુ મહત્વ રહેલું છે. એમાંય ખાસ સૌરાષ્ટ્રમાં લોટી ઉત્સવ એટલે ઘરે પ્રભુ પધાર્યા હોય તેવો માહોલ સર્જાતો હોય છે. ચાર ધામની યાત્રા વખતે એક લોટીમાં પવિત્ર યમનોત્રીનું જલ લઇ આવી ઘરમાં પવિત્ર જગ્યાએ મૂકી દરરોજ ભક્તિભાવ સાથે પૂજા કરે છે અને સમય આવ્યે આ જ પવિત્ર જળની લોટીને ખોલી પોતાના પરિવારની સુખ-શાંતિ ભરી કામનાઓ સાથે લોટી ઉત્સવ ઉજવતો હોય છે. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક આવો જ મહા ઉત્સવ યોજાઈ ગયો, સમસ્ત ગાગીયા (આહીર) પરિવારના તમામ કુટુંબીજનો દ્વારા સામૂહિક લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, લગભગ ૨૫૧ લોટીઓ એક જ સમિયાણાંમાં ખોલી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ ધાર્મિક પ્રસંગ ધર્મ  ઇતિહાસનો સૌથી મોટી ધાર્મિક પ્રસંગ બની રહ્યો હતો.

સામાજિક. ધાર્મિક અને સંસ્કૃતિક કાયક્રમોની ભરમાર

શ્રી ગેલકૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત ગાગીયા પરિવાર લોટી ઉત્સવમાં સમગ્ર વિશ્વમાં વસતા 1700 થી વધુ ગાગીયા કુટુંબીજનો-પરિવારજનો આ ઉત્સવમાં ઉત્સાહથી સહભાગી બનયા હતા. તારીખ 1/6/2024 ના રોજ હનુમાન મંદિર ગોવાણા ચોકડી, ખાયડી, લાલપુર ,જીલ્લો જામનગર ખાતે મહા લોટી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું,  શનિવારે વહેલી સવારે 8 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાત કલાક સુધી ચાલેલ યજ્ઞની બપોરે ત્રણ કલાકે પુણાહુતિ કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે સામાજિક અને આરોગ્ય લક્ષી સેવા કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે ત્રણથી સાંજના સાત વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળા પ્રમાણમાં ગાગિયા પરિવારના યુવાનો જોડાયા હતા. . જ્યારે બપોરે પાંચ થી રાત્રે 8 કલાક સુધી મહારાસ યોજાયો હતો. જેમાં ગાગિયા પરિવારની માતાઓ-બહેનો-દીકરીઓ આહીર સમાજના પરંપરાગત પોશાક સાથે રાસ રમ્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે સાંજે છ વાગ્યાથી લગભગ 15 હજારથી વધુ ભાવિકોએ ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો. રાત્રે 8 થી 10 વાગ્યા સુધી સંત સભા સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે ગાગિયા પરિવારના ધોરણ દસ અને બારના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર યુવાન દીકરા-દીકરીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ ભવ્ય લોક દાયરો યોજાયો હતો જેમાં સમાજના ઉગતા કલાકારોએ પોતાનો સ્વર પાથર્યો હતો. જયારે રાત્રે 9:00 થી સવાર સુધી ભાયાવદરની પ્રખ્યાત કાનગોપી મંડળી દ્વારા કીર્તન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને મંડળીના અંતે એક સાથે પવિત્ર લોટીઓ ખોલી હાજર ભાવિકોને ચરણામૃત આપવામાં આવ્યું હતું.

ઇન્ડીયન ટ્રેડીશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો લોટી ઉત્સવ કાર્યક્રમ

આ સામૂહિક લોટી ઉત્સવની ખાસિયત એ છે કે, અઢીસો લોટી એક જ સ્થળે એક જ સમીયાણામાં ખુલશે એવો પ્રસંગ ઇતિહાસમાં પ્રથમ વાર બની રહ્યો છે. આ પ્રસંગ ઇતિહાસ બની જાય તે માટે રેકોર્ડ બુકમાં પણ સ્થાન પામયો છે. આ પ્રસંગે ભારતીય ટ્રેડીશનલ રોકોર્ડ બુકના અધિકારીઓએ હાજર રહી નોધાયેલ રેકોર્ડનું પ્રમાણ પત્ર ગાગિયા પરિવારના આગેવાનો ભાવેશભાઈ ગાગિયા સહિતનાઓને અર્પણ કર્યું હતું.

સંતો મહંતો, કેબીનેટ મંત્રી, ધારસભ્યો સહિતના મહાનુભાવોની હાજરી

આ કાર્યક્રમમાં સંતો મહંતો અને ગાગિયા પરિવારના અગ્રણીઓ સહિત સમગ્ર ગાગીયા પરિવાર હાજર રહ્યા હતા. તો પરમ પૂજ્ય મહાદેવ પ્રસાદ મહેતા સવિશેષ ઉપસ્થિત રહી સમાજને આધ્યાત્મિક સંદેશો આપ્યો હતો. સાથે સાથે લોક સાહિત્યકાર લાખણસીભાઈ ગઢવી સહિતનાઓએ ધાર્મિક પ્રસંગોને વણી લઇ સામાજિક ઉત્થાનનો સંદેશ પણ આવ્યો હતો. આ કાર્યક્રમાંમાં કેબીનેટ મુળુભાઈ બેરા, જામજોધપુર-લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમતભાઈ ખવા, જામનગર દક્ષીણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપાના પ્રમુખ વિમલભાઈ કગથરા, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા નહી પણ તેઓને પ્રતિનિધિ રાંછભાઈ અને આંબલીયાભાઈએ હાજર રહી બેનનો સંદેશો આપ્યો હતો ઉપરાંત આહીર સમાજના ઉદ્યોગપતિ લેન્ડ ડેવલપર મહેશભાઈ વારોતરીયા, હમીરભાઈ નંદાણીયા, મહેશભાઈ નંદાણીયા, ભરતભાઈ ડેરસુરેશ વસરા, પાલભાઈ કરમુર, સંત મહંત શ્રી ભરતદાસ ગુરુદાસ, મેરામણભાઇ દેવાતભાઈ ગાગીયા, ગેલ માતાજીના ભુવા હેમંતભાઈ ગાગીયા તેમજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવાયતભાઈ પરબતભાઈ ગાગીયા સહિત સમસ્ત ગાગીયા પરિવારજન હાજર રહ્યા હતા.

ગાગિયા પરિવારના ભામાશાઓનો ભગીરથ સહયોગ


20 વીઘા ઉપરાંત જમીનમાં ઉભા કરવામાં આવેલ સમીયાણામા ઐતિહાસિક ધાર્મિક-સામાજિક કાર્યક્રમ યોજાયો હતો. ગાગિયા પરિવારના ગામે ગામથી આવેલ યુવાઓની ટીમે રસોડાથી માંડી સ્ટેજ સુધીની વ્યવસ્થા સુપેરે સંભાળી કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજીત એક લાખ ઉપરાંત ગાગીયા (આહીર) પરિવાર જનોની ઉપસ્થિત રહ્ય હતા. ભોજન પ્રસાદના દાતા એવા સેવાભાવી અને આહીર સમાજના અગ્રણી બિલ્ડર ભાવેશ ગાગીયા (બાદશાહભાઈ ), મંડપના દાતા તરીકે અરજણભાઈ રામભાઈ ગાગીયા (મોડપર), સાઉન્ડના દાતા એવા જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ કે બી ગાગીયા અને લાઈટ ડેકોરેશનના દાતા દેવાભાઈ પરબતભાઈ ગાગીયા અને ઉદ્યોગપતી રાજુભાઈ ગાગિયાએ વિશેષ સેવા આપી સફળતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.

અગાઉ પણ ગાગિયા પરિવારે સામુહિક પિતૃ તર્પણ કર્યું હતું

આ ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે પણ ગાગિયા પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. હરિદ્વાર ખાતે પવિત્ર ગંગા માતાના કિનારે એક સાથે અનેક ગાગિયા પરિવારના સદ ગૃહ્સ્તોએ એક સાથે પિતૃ તર્પણ કર્યું હતું. એક સાથે અનેક પરિવારજનોને કરેલ પિતૃ તર્પણ પણ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ બની રહ્યો હતો.

NO COMMENTS