જામનગર: જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં રહેતા સાગર નંદાણીયા સામે છેતરપીંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. દરેડ જીઆઈડીસીમાં કારખાનું ધરાવતા એક આસામીને સાગર નંદાણીયાએ વિશ્વાસમાં લઇ ૩૧ લાખનો માલ ખરીદી રૂપિયા નહિ આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

તાજેતરમાં બિસ્નોઈ ગેંગ દ્વારા પોતાને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ કરનાર સાગર નંદાણીયા સામે વધુ એક વેપારીનું કરી નાખવાની ફરિયાદ દાખલ થઇ છે. દરેડ જીઆઈડીસીમાં આર જે ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા ભેરારામ માંગીલાલ સમેલાજી ચૌધરીને સાગર નંદાણીયાએ એક વર્ષ પૂર્વે ફોન કરી પોતાની ઓળખ કીર્તીભાઇ સ્વાતી બ્રાસ દરેડ વાળા તરીકેની ખોટી ઓળખ આપી પ્રથમ વખત માલ ખરીદવા માટેનો ઓર્ડર આપી, ઓર્ડર મુજબનુ પેઇમેન્ટ સમયસર ચુકવી આપ્યું હતું. આમ વેપારીને વિશ્વાસમા લઇ આરોપી સાગરે બીજી વખત તા.૦૭/૦૬/૨૦૨૪ ના રોજ રૂપિયા ૩૧,08,૩૯૭ ની કીમતનો ૨૮૦૫ કી.ગ્રા. કોપર તથા ૭૦૦ કી.ગ્રા. બ્રાસ મળી કુલ ૩૫૦૫ કી.ગ્રા. માલ ખરીદ્યો હતો. સાગરે એકત્રીશ લાખ,આઠ હજાર,ત્રણસો ઓગણચાલીસના માલનો ઓર્ડર આપતા વેપારીએ તા.૦૮/૦૬/૨૦૨૪ના રોજ ACPL ટ્રાન્સપોર્ટ મારફતે જામનગર દરેડ ખાતે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો હતો. ત્યારબાદ આરોપીએ ACPL ટ્રાન્સપોર્ટ દરેડ ખાતેથી માલની ડીલવરી લઇ લીધી હતી. પરંતુ સાગરે આજદિન સુધી ૩૧ લાખનું પેમેન્ટ ચુકવ્યું ન હતું.

તાજેતરમાં જયારે સાગરની અન્ય કેસમાં ધરપકડ થઇ ત્યારે વેપારીને તેનો સાચો પરિચય થયો હતો ત્યારબાદ તેઓએ પોલીસમાં અરજી કરી વિધિવત ફરીયાદ દાખલ કરાવી છે. લોરેન્સ બિસ્નોઈ ગેંગ દ્દવારા પોતાને ધાક ધમકી મળી રહી હોવાની વાતને પ્રેસ મીડિયા સમક્ષ કહેવા માટે આમંત્રિત કર્યા ત્યારથી જ સાગરની બુંધ બેસી ગઈ છે. પ્રેસમીટ થાય તે પૂર્વે જ સાગર સામે ફરિયાદ નોંધી પોલીસે સાગરને ઉઠાવી લઇ જેલમાં ધકેલી દીધો હતો. ત્યારબાદ સાગર સામે સમયાંતરે ફરિયાદો નોંધાતી રહી છે. એક પછી એક ફરિયાદનો સિલસિલો યથાવત રહ્યો છે. ચીટીંગ કરનાર સાગર સામે દોઢેક મહિના પૂર્વે એક પણ ગુનો નહોતો આજે તેની સામે ફરિયાદની વણજાર શરુ થઇ છે.