જામનગર: જિલ્લા-શહેરકક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

0
430

જામનગર જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની અને શહેર કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મેયર વિનોદ ખીમસુર્યાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જામનગર ખંભાળિયા હાઇવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે ૯ જેટલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં મેયરના હસ્તે ધ્વજારોહણ અને સલામી આપી, શહેરના વિકાસ માટેની નેમ રાખવામાં આવી હતી. જયારે શાળાના બાળકોએ સંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યો હતો.

મંત્રી મુળુભાઈ અને મેયર દ્વારા દેશદાઝ વધુ પ્રબળ બને એવો સંદેશ સમગ્ર જામનગર શહેર- જિલ્લાવાસીઓને પાઠવી અનોખા અંદાજમાં પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાના વિકાસ માટે રાજ્યસરકાર દ્વારા ફાળવવામાં આવેલ રૂ.૨૫ લાખનો ચેક મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો જેમાં પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, આઈસીડીએસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરટીઓ, ૧૦૮ ના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ૫ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી મેળવેલ વ્યક્તિઓ અને સંસ્થાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રથમ ક્રમે આવેલા પીજીવીસીએલ, દ્વિતીય ક્રમે આવેલ જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ તથા તૃતીય ક્રમે વિજેતા થયેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેબલોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન, જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ બોરસદીયા, અગ્રણી રમેશભાઈ મુંગરા, એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, આમંત્રિત મહેમાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here