જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બપોરબાદ મેઘાવી માહોલ રચાય છે. જિલ્લામાં બપોર બાદ જામનગર, જોડિયા, કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકના અમુક ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે અષાઢીબીજનું મુહૂર્ત સાચવી લઇ મેઘરાજાએ ઝાપટાથી માંડી બે ઇંચ જેટલી કૃપા વરસાવી હતી.
તાલુકા પ્રમાણે વાત કરીએ તો જિલ્લાના જામનગર તાલુકાના જાંબુડા, રામપર, નાની મોટી બાણુંગાર સહિતના ગામડાઓમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જયારે મોટી બાણુંગાર ગામે બે ઇંચ, જામ વંથલી અને અલિયાબાડામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જોડિયા તાલુકાના બાલંભા અને હડિયાણામાં ઝાપટા પડ્યા હતા. બીજી તરફ કાલાવડ તાલુકામાં ગઈકાલે સચરાચર વરસાદ થયો હતો. જેમાં ખરેડી અને મોટા પાંચ દેવડા તેમજ મોટા વડાળામાં એક એક ઇંચ તેમજ આ ગામડાઓની આજુબાજુના ગામડાઓમાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
જયારે જામજોધપુર તાલુકાના પરડવા ગામે દોઢ ઇંચ અને શેઠવડાળા ગામે ઝાપટા પડ્યા હતા. જયારે લાલપુર તાલુકાના ડબાસંગ ગામે અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. અગાઉ પડેલા વરસાદને લઈને જામજોધપુર અને કાલાવડ પંથકમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચૂક્યું છે. ત્યારે આ તાલુકાઓમાં પડતો વરસાદ કાચું સોનુ સાબિત થઇ રહ્યું છે.