જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં આવેલી એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડી ત્રાટકી હતી, અને વાડી માલિક તેમજ જુગારધામ ચલાવનાર સહિત કુલ ૮ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ- મોબાઈલ ફોન અને બાઈક સહિત રૂપિયા ૩.૧૫ લાખની માલમતા કબજે કરી છે.
જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં વાડી ધરાવતા દિલીપભાઈ બીજલભાઇ ચાવડા ની વાડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, અને જામનગરમાં નંદનવન સોસાયટી શેરી નંબર-૧માં રહેતો મિલન મોહનભાઈ રૂપારેલ નામનો શખ્સ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા જુગારીયા તત્વોને એકત્ર કરીને ગંજીપાના નો જુગાર રમાડી, જુગારધામ ચલાવી રહ્યા છે.
જે ચોક્કસ બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબીની ટુકડી ત્રાટકી હતી. જે દરોડા દરમિયાન વાડી માલિક સહિત ૮ પત્તા પ્રેમીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
જેથી એલસીબીની ટીમે વાડી માલિક દિલીપ બીજલભાઇ ચાવડા, ઉપરાંત જુગારધામ ચલાવનાર મિલન મોહનભાઈ રૂપારેલ ઉપરાંત જામનગરમાં સહજાનંદ પાર્કમાં રહેતા મનોજ ગોરધનભાઈ, દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા વિપુલ શંકરભાઈ દામા, હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા અશ્વિન ઉર્ફે અશોક રમણીક લાલ નંદા, લાલપુર બાયપાસ નજીક વ્રજ સોસાયટીમાં રહેતા નલીન કિશોરભાઈ સભાયા, લાલપુર બાયપાસ નજીક જ્યોતિ પાર્કમાં રહેતા ગૌતમ મનસુખભાઈ વેકરીયા અને જામનગર માં પંચવટી સોસાયટીમાં રહેતા રાજુભાઈ બચુભાઈ કરંડીયા સહિત ૮ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લીધી હતી.
પોલીસે જુગારધામના સ્થળેથી રૂપિયા ૧,૬૦,૦૦૦ રોકડ રકમ રૂપિયા ૩૫,૫૦૦ ની કિંમતના ૮ નંગ મોબાઈલ ફોન, અને રૂપિયા ૧,૨૦,૦૦૦ની કિંમતના ૪ નંગ મોટરસાયકલ સહિત કુલ ૩,૧૫,૫૦૦ની માલમતા કબજે કરી છે.