જામનગર : જામનગરમાં દશ દિવસ પૂર્વે લાલપુર બાયપાસ પાસે આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં નવા બાંધકામની સાઈટ પર હાજર બિલ્ડર પર બાઈક પર આવેલ ત્રણ અજાણ્યા સખ્સોએ ધડાધડ ફાયરીંગ કરી નાશી ગયા બાદ અમદાવાદ એટીએસની ટીમે ત્રણ સખ્સોને દબોચી લીધા હોવાની વિગતો સામે આવી છે. જો કે પોલીસ દ્વારા હજુ સતાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નહિ. જામનગર પોલીસે ત્રાણ્યે સખ્સોનો કબજો સંભાળવા તજવીજ હાથ ધરી છે.
જામનગરમાં ગત તા. ૩જીના રોજ લાલપુર બાયપાસ રોડ પર સવારે સાડા દશેક વાગ્યે બિલ્ડર ગીરીશ ડેર તેના પુત્ર સાથે પોતાની નવી બંધાતી ક્રિષ્નાપાર્ક સાઈટ પર હતા ત્યારે બે બાઈકમાં આવેલ ત્રણ સખ્સોએ ફાયરિગ કરી બિલ્ડરની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં બિલ્ડરે પણ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી પ્રતિકાર કરતા ત્રણેય સખ્સો નાશી ગયા હતા. આ બનાવ અંગે બિલ્ડર ડેરે જામનગરના જ કુખ્યાત જયેશ પટેલ અને ફાયરીંગ કરનાર તેના ત્રણેય ભાડુતી સખ્સો સામે હત્યા પ્રયાસ અને આર્મસ એક્ટ સહિત ફરિયાદ નોંધી હતી.
પોલીસે લાલપુર બાયપાસ અને લાલપુર તરફ જતા રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં અમુક સખ્સોની સંકાસ્પદ હિલચાલ સામે આવતા પોલીસે બે-ત્રણ સખ્સોની ગુપ્તરાહે પૂછપરછ કરી હતી પરંતુ આરોપીઓનો અસલી ચહેરો સામે આવ્યો ન હતો. ત્યારબાદ પોલીસે તપાસ વિસ્તારી હતી પરંતુ કોઈ ઠોસ હકીકત સામે આવી ન હતી. દરમિયાન ગઈ કાલે અમદાવાદ એટીએસની ટીમે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાંથી ત્રણેય આરોપીઓને ઉઠાવી લીધા હોવાની વિગતો જાણવા મળી છે. ત્રણેય ભાડુતી સખ્સો જામનગર જીલ્લાના નહી હોવાની વિગતો સામે આવી છે.
ત્રણ પૈકીના બે આરોપીઓ સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે જયારે એક સખ્શે ગુનાખોરીમાં પ્રવેશ જ કર્યો હોવાની વિગતો સામે આવી છે. સુત્રાપાડાનો આરોપી સંજય બારડ અને હિતેસ ઉર્ફે હિતુભા ઝાલા અને ધોરાજીનો પ્રવીણ ઉર્ફે ટકો નામના આ સખ્સોને અમદાવાદથી પકડી પાડ્યા હોવાની માહિતી જાણવા મળી છે. જામનગર એલસીબીએ ત્રણેય સખ્સોનો કબજો સંભાળી જામનગર લઇ આવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને આરોપીઓ વચ્ચે કઈ રીતે સાંઠગાઠ થઇ ? કેટલી સોપારી નક્કી કરવામાં આવી ? અને બનાવ પાછળનો જયેશ પટેલનો ચોક્કસ ઈરાદો શું છે ? સહિતની બાબતનો તાગ મેળવવા એલસીબીએ કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.