જામનગર: જામજોધપુર તાલુકા મથકે એક દુકાનમાં ઘુસી છ થી આઠ શખ્સોએ દુકાનદારને ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. કાર પાર્ક કરવા બાબતે દુકાનદારના માણસ સાથે થયેલ બોલાચાલી બાદ ફોન પર ધાક ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ દ્વારા દુકાનમાં ઘૂશી દુકાનદારને માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
જામજોધપુર તાલુકા મથકે છ થી આઠ શખ્સોની દાદાગીરીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. તાલુકા મથકે બાલમંદિર રોડ પર કુબેર કોર્નરમાં મન ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા ચિરાગભાઈ દેલવાડીયા ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે આસપાસ પોતાની દુકાને હતા ત્યારે તાલુકાના ધ્રાફા ગામના શક્તિસિંહ જાડેજા અને જગદીશસિંહ ઉર્ફે જેડી જાડેજા સહિત કુલ છ થી આઠ માણસો ઘસી આવ્યા હતા.
દુકાનમાં રહેલા ચિરાગભાઈ કંઈ સમજે તે પૂર્વે આ સખ્સો હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા અને લાકડીના ધોકા વડે માર મારવા લાગ્યા હતા જેમાં ચિરાગભાઈને ડાબા હાથના કાંડાના તથા ડાબા પગના સાથળના ભાગે અને માથાના ભાગે લાકડીના ઘા મારતા માથામાં ફૂટ ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ તમામ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. આ ઘટના અંગે ચિરાગભાઈએ તમામ શખ્સો સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મારામારી સંબંધે ફરિયાદ નોંધાવી હતી.
ગત તા. 29મી ના રોજ દુકાન પાસે એક સખ્સે કાર પાર્ક કરેલ હતી જેથી દુકાનમાં કામ કરતા માણસએ કારચાલકને ફોરવીલ લઈ લેવા કહ્યું હતું’ જેની સામે ફોરવીલ ચાલક વાણી વિલાસ કરી ત્યાંથી ચાલ્યો ગયો હતો ત્યારબાદ બે મોબાઈલ નંબર પરથી દુકાનદારને દુકાન બંધ કરી દેવા અને જાનથી મારી નાખવાની તેમજ જોઈ લેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી દુકાનમાં ઘસી આવી મારામારી કરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને આધારે જમજોધપુર પીએસઆઇ એમએલ ઓડેદરા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.