જામનગર (દક્ષિણ) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજભાઈ કથીરીયાએ શહેરના વોર્ડ નં. ૯, ૧ર અને ૧૩માં સઘન જનસંપર્ક કરી લોકોને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીના આઠ વચનો જણાવી કોંગ્રેસના પંજાને મત આપવા અપીલ કરી હતી.
જામનગર શહેરની મધ્યમાં આવેલા વોર્ડ નં. ૯ તેમજ વોર્ડ નં. ૧ર, ૧૩ના ચાંદી બજાર, બર્ધનચોક, સોની બજા, દરબારગઢના વિસ્તારોમાં ફરીને દરેક લોકોને મળ્યા હતાં. તેમણે ભાજપ શાસનમાં તમામ જીવન જરૃરી ચીજ વસ્તુઓમાં વધી રહેલી અતિશય મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થામાં અત્યંત કંગાળ વ્યવસ્થા, બેરોજગારી, વેપારીઓને હેરાનગતિ જેવા મુદ્દાઓ જણાવી હવે કોંગ્રેસના હાથમાં ગુજરાતનું સુકાન સોંપવા સૌને નમ્ર અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપના ટોચના અસંખ્ય નેતાઓ પ્રચારમાં આવી ગયા છે, જાહેર સભાઓ ગજવી રહ્યા છે, પણ કોઈ નેતાએ દરેક ઘર, દરેક પરિવાર સહિત સમગ્ર આમ જનતાને પીડા આપી રહેલી મોંઘવારીની સમસ્યાનો ઉલ્લેખ સુધ્ધાં કરતાં નથી.
આ જનસંપર્ક દરમ્યાન મનોજભાઈ કથીરીયા, કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સમક્ષ દરેક મતદારોએ ૧લી ડીસેમ્બરે ઈવીએમ ઉપર ભાજપ સરકાર પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યાે હતો અને આમ જનતાએ ભાજપને જાકારો આપવાનું મન બનાવી લીધું હોય તેવો પ્રતિભાવ દરેક વર્ગમાં જોવા મળ્યો હતો. લોકોમાં એન્ટી ઈન્કમ્બન્સી ફેકટર તિવ્રતા સાથે જોવા મળી રહ્યું છે.