જામનગર : કોરોના વિકરાળ બન્યો, વધુ એક દર્દીનું મોત

0
682

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચતા વધુ એક દર્દીએ દમ તોડી દીધો છે. આજે દિવસ દરમ્યાન જામનગર શહેરના નવા 7 દર્દીઓ ઉમેરાયા છે. જયારે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી 9 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ 9 દર્દીઓને આરોગ્ય તંત્રએ રજા આપી છે.
જામનગર શહેરમાં કોરોનાનું લોકલ સંક્રમણ દિવસે ને દિવસે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આજે પણ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી 7 દર્દીઓ પોઝીટીવ સામે આવ્યા છે. ત્યારે શહેરની કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધી રહેલો આંકડો ચિંતાનો વિષય બન્યો છે. લોકલ સંક્રમણને ખાળવા માટે તંત્ર પાસે પણ ચોક્કસ રસ્તો નથી ત્યારે તમામ નગરિકોએ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવું હિતાવહ છે. ત્યારે વધતી જતી દર્દીઓની સંખ્યા અને મૃત્યું આંક પણ શહેરની લાલ બત્તી સમાન છે.

આજે જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શહેરના એક વૃદ્ધ મહિલા દર્દીનું મૃત્યું નિપજ્યું છે. જો કે આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર આ દર્દી અન્ય બિમારીથી પણ પીડાતા હતા. અત્યાર સુધીમાં જામનગર શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં કુલ 195 દર્દીઓ નોંધાયા છે. જેમાં શહેરમાં આ પાંચ દર્દીઓના મોત થયા છે. જયારે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 245 દર્દીઓ નોંધાયા છે. જેમાં શહેરના મૃત્યું ઉમેરતા કુલ મૃત્યું આંક 7 થયો છે. હજુ પણ સંક્રમણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતુ જાય છે. આગામી દિવસોમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા પણ આરોગ્ય તંત્રએ વ્યકત કરી છે. જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી પાંચ દર્દીઓની હાલત અતિ ગંભીર ગણાવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here