જામનગર તાલુકાની વધુ એક સહકારી મંડળીમાં આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. મંડળીમાં ફરજ બજાવતા મંત્રી અને સહમંત્રી એવા પિતા પુત્રએ મંડળીની સિલક માંથી ઉચાપત કરી તેમજ મંડળીમાં ભાગે આવતું રાસાયણિક ખાતર વેચી તેની રકમ જમા ન કરાવી રૂપિયા 1.13 કરોડની છેતરપિંડી હોવાની પંચકોશી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. છેલ્લા બે વર્ષના ગાળા દરમિયાન પિતા પુત્રએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગર તાલુકાના જુદા જુદા ગામોની સહકારી મંડળીઓમાં સામે આવેલ આર્થિક કૌભાંડ બાદ વધુ એક મંડળીનું કૌભાંડ સામે આવ્યું છે. તાલુકાના ધુતારપર ગામે સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેશ અમૃતલાલ ચાઉ અને તેના પુત્ર એવા સહમંત્રી તરીકે ફરજ બજાવતા જયેશ અમૃતલાલ ચાઉ નામના બંને કર્મચારીએ વર્ષ 2020થી ગત સપ્ટેમ્બર માસના ગાળા સુધી એકબીજા સાથે મિલાપીપણું કરી મંડળીની સિલિકમાંથી વહેવારોમાં તેમજ મંડળીના બેંકના ખાતાના ચેકોમાં ખોટી સહીઓ કરી, ચેક વટાવી લઇ નાણાની ઉચાપત કરી હતી. આ ઉપરાંત મંડળીના રાસાયણિક ખાતરના માલ સ્ટોકમાંથી માલ બારોબાર વેચી નાખી, વેચાણ પેટેનાં રૂપિયા મંડળીમાં જમા નહીં કરાવીને પણ આર્થિક છેતરપિંડી આચરી હતી. મંડળીની સિલક તેમજ ખાતર વેચીને આ બંને આરોપીઓએ રૂપિયા એક કરોડ 13 લાખ 81,954ની ઉચાપત કરી હતી.
આ રકમ અંગત ઉપયોગ માટે વાપરી નાખી પિતા પુત્રએ આર્થિક કૌભાંડ કર્યું હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને ધુતારપર ગામના અશ્વિનભાઈ ગોરધનભાઈ ગલાણીએ મંડળીના પગારદાર કર્મચારીઓ એવા પિતા પુત્ર સામે પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાત સબબ ફરિયાદ દાખલ કરાવી છે. આ ફરિયાદના આધારે પીએસઆઇ જે પી સોઢા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.