જામનગર: આજે રજૂ થયેલ મહાનગરપાલિકાનું આવું છે બજેટ, જાણો શુ છે નવાજુનું?

0
647

મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન મનીષભાઇ કટારીયાએ વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં નાગરિકો ઉપર કોઇ જાતનો કર વધારો સુચવવામાં આવ્યો નથી. આ બજેટમાં બાકી વેરા ઉપર વ્યાજ માફી અને વ્યાજ રાહતની યોજના રજૂ કરવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાના સામાન્ય સભા આજે બપોરે એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં મુખ્ય એજન્ડા બજેટ પસાર કરવાનો હતો. વર્ષ 2022-23નું સ્ટેન્ડીંગ કમિટિમાં મંજૂર કરાયેલ બજેટ ચેરમેન મનીષભાઇ કટારીયાએ રજૂ કર્યુ હતું. આ બજેટમાં સરકારે કાયદામાં દર્શાવેલ અને મંજૂર કરેલ દર મજૂબ વ્યવસાય વેરો વસુલવાનું સૂચવવામાં આવ્યું છે. વ્યવસાય વેરાના ભરવા પાત્ર બીલમાં પણ પ્રોપટી ટેકસ અને વોટર ચાર્જની જેમ 31 માર્ચ 2022 સુધી વ્યાજ રાહત આપવા ભલામણ કરવામાં આવી છે. આવાસ યોજનામાં બનાવામાં આવેલ કોમ્યુટનીટી હોલ તથા કેરણ વેસ્ટ ચાર્જ ગત વર્ષ મુજબ યથાવત રાખવા સુચવવામાં આવ્યું છે. આ બજેટમાં કર-દરમાં કોઇ વધારો સુચવવામાં આવ્યો નથી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઇબીજના દિવસે સીટી બસમાં મુસાફરી કરનાર મહિલાઓને ફી મુસાફરીની સુવિધા અપાશે. મહાનગરપાલિકાના તમામ 64 કોર્પોરેટરોને તેમને મળતી ગ્રાન્ટના કામો અનવ્યે પ્રત્યેક સભ્યને રૂા.10 લાખની ગ્રાંટ નવા વર્ષમાં ફાળવવામાં આવશે તેમ બજેટમાં જણાવ્યું છે.
શહેરની હદમાં ભળેલા નવા વિસ્તારો તથા નલ સે જલ યોજના અન્વયે ગોકુલનગર અને મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં મુખ્ય અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અન્વયે ડી.આઇ. પાઇપલાઇનનું કામ કરવા માટે રૂા.25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજાશાહી વખતમાં બનેલા આશરે 100 વર્ષ જૂના રણજીતસાગર ડેમને સ્ટ્રેન્ધનીંગનું કામ કરવા રૂા.5 કરોડ તેમજ રણજીતસાગરથી પંપહાઉસ સુધી સરકારની અમૃત-2 યોજના અન્વયે પાઇપલાઇનનું કામ કરવા રૂા.20 કરોડની ફાળવણી ઉપરાંત ખંભાળિયા-બાયપાસ વિસ્તારમાં નવો ફિલ્ટર પ્લાન્ટ, ઇ.એસ.આર, સમ્પ અને પાઇપલાઇનનું કામ કરવા રૂા.30 કરોડ ફાળવાયા છે. મહાનગરપાલિકાના નવા ભળેલા વિસ્તારમાં (વોર્ડ.નં.15 અને 16ના મયુર ટાઉનશીપથી લાલપુર બાયપાસ ચોકડી અને મારૂ કંસાર સમાજની વાડીથી લાલપુર બાયપાસ ચોકડી) સુધીના વિસ્તારમાં સિવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક માટે રૂા.16.77 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના સામાન્ય બજેટની સાથોસાથ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ અને વી.એમ.મહેત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજનું બજેટ પણ ચેરમેન દ્વારા ગૃહ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટને સર્વાનુમતે મંજૂર કરવા અપીલ કરાઇ હતી. રોડ-રસ્તાના કામો માટે રૂા.50 કરોડ, આંતરમાળખાકીય સુવિધાના કામો માટે રૂા.151 કરોડ, અર્બન હેલ્થ સેન્ટર માટે રૂા.8.73 કરોડ, લાઇટીંગ કામગીરી માટે રૂા.3.26 કરોડ ફાળવાયા છે. આ બજેટમાં ઉઘડતી પુરાંત રૂા.239.82 કરોડ, વર્ષ દરમ્યાનની આવક રૂા.760.50 કરોડ, વર્ષ દરમ્યાનનો ખર્ચ રૂા.853.10 કરોડ અને બંધ પુરાંત રૂા.147.22 કરોડ દર્શાવવામાં આવી છે. આમ કુલ બજેટ રૂા.1000.32 કરોડનું દર્શાવાયું છે.

NO COMMENTS