જામનગર : મોબાઈલ બન્યો 16 વર્ષીય તરુણીના આપઘાતનું કારણ, કેમ ?

0
759

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાની રાફૂદળ ગામે એક પરિવારની ૧૬ વર્ષીય સગીરાએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક કારણ એવું બહાર આવ્યું છે કે તરુણી કોઈ સાથે મોબાઈલમાં વાતચીત અને મેસેજ કરતી હતી જેની પરિવારને જાણ થઇ જતા ઠપકાની બીકથી આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

કુમળી વયે બાળકો અને સગીરોને આપી દેવામાં આવતા મોબાઈલ ફોન અને રહેણીકરણીમાં છૂટછાટ હમેશા નકારાત્મક પરિણામ નોતરે છે. લાલપુર પંથકમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. નાની રાફૂદળ ગામે રહેતા જેન્તીલાલ મનજીભાઇ સોનગરાની સોળ વર્ષીય પુત્રી રીધ્ધીબેનએ ગઈ કાલે પોતાના ઘરે એકલી હતી ત્યારે મકાનમા રૂમની છત હુકમા સાડીનો છેડો બાંધી પોતાના હાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે તેણીના પિતાએ જાણ કરતા લાલપુર પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પિતાએ પોલીસમાં આપેલ નિવેદન મુજબ રીધ્ધીબેન તેના મોબાઇલ ફોન પર કોલ તથા મેસેજથી કોઈ સાથે વાતચીત કરતી હતી. આ બાબતની જાણ તેના ભાઇ હીરેનને થઇ ગઈ હતી. આ બાબતની વાત તેના કાકા હીતેશને કરી હતી. અગાઉ પણ રિદ્ધિને મેસેજ અને કોલ આવતા હતા આ બાબતની પણ પરિવારના સભ્યોને ખબર પડી ગઈ હતી. પરિવારના સભ્યો ઠપકો આપશે એવું લાગતા તેણીએ અંતિમ પગલું ભરું લીધું હોવાનું  જાહેર કર્યું હતું. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS