જામનગરમાં મિલન સોસાયટીમાં રહેતા અને દ્વારકા જિલ્લાના વિજલપર ગામના સરપંચના પુત્રએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પ્રાથમિક પોલીસ તપાસમાં આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની પોલીસે આશંકા દર્શાવી છે. 23 વર્ષે આપઘાત કરી લેનાર યુવાનના આ અંતિમ પગલાને લઈને પરિવાર સહિત આહીર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મિલન સોસાયટીમાં રહેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામના સરપંચ પીઠાભાઈ ડેરના 23 વર્ષીય પુત્ર જયએ પોતાના પિતાની લાયસન્સ વાળી ગનમાંથી ફાયરિંગ કરી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધો હતો.
પોતાના ઘરે લોકરમાં રાખેલ પિતાનું લાઇસન્સ વાળું હથિયાર કાઢી પુત્ર જય કાર લઇ, જામનગરની ભાગોળે આવેલ ખીજડીયા બાયપાસ પહોંચ્યો હતો ત્યાં સમરસ હોસ્ટેલ સામેના રોડ પર કારમાં જ લમણે ગોળી જીકી આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. એકના એક પુત્રના અવિચારી પગલાંને લઈને પરીવાર શોકમાં ડૂબી ગયો છે.
આપઘાતના બનાવ અંગે ડીવાયએસપી કૃણાલ દેસાઈ શુ કહે છે સાંભળો….
આ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં યુવાને પ્રેમ પ્રકરણમાં પોતાના હાથે ગોળી છોડી આપઘાત કરી લીધો હોવાની આશંકા છે. આ બનાવના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આહીર સમાજમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.