જામનગર: નેતાએ કહ્યું પદાધિકારીને ‘કામ ન થાય તો ખુરસી ખાલી કરો’

0
861

જામનગર: જામનગરમાં થયેલ અતિવૃષ્ટિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોના હાલહવાલ પૂછવા ગયેલ નેતાઓને પ્રજા રોષનો ભોગ બનવું પડ્યું હતું. પ્રજાના રોષને પિછાણી ગયેલ એક તરવરીયા નેતાએ અસરગ્રસ્તોની સામે જ જેએમસીના એક પદાધિકારીને ઘઘલાવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કહી દીધું હતું. અન્યથા જે સ્થાન પર બિરાજમાન છે એ જગ્યા ખાલી કરી દેવા પણ સ્પષ્ટ કહી દીધું હતું. શહેરમાં મોટાભા થઇને ફરતા પદાધિકારીએ નેતાના શબ્દો સાંભળી નીચું મોઢું કરી લીધું હતું. જો કે આટલું થવા છતાં પણ પ્રજાના પ્રશ્નનું સમાધાન ન થયું. આ ઘટના બાદ પ્રજાની સમસ્યા તો જેવી છે એવી જ રહી પણ સ્થાનિક નેતાગીરીમાં કચવાટ ઉભો થઇ ગયો છે.

તાજેતરમાં જામનગરમાં અતિવૃષ્ટિ થતા અનેક વિસ્તારો પાણીમાં ગરક થયા હતા. શહેરના છ વોર્ડ વરસાદી પાણીથી પ્રભાવિત બન્યા હતા. જો કે રંગમતી નદીના કિનારે આવેલ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત બન્યા હતા.  શહેરના પૂર્વ ભાગમાં વધારે તબાહી જોવા મળી હતી. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. અનેક લોકોએ ઘરવખરી ગુમાવી, ઇલેક્ટ્રિક સાધન સામગ્રીથી પણ હાથ ધોયા, શેરી-ગલી તો ઠીક ઘરોમાં પાણી ઘુસી જતા લોકો અકળાયા હતા અને તંત્ર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અમુક વિસ્તારોમાં લોકો રસ્તા પર આવી ગયા હતા તો અમુક વિસ્તારોમાં નેતાઓ અને પદાધિકારીઓને આડેહાથ લેવામાં આવ્યા હતા. નેતાને આડે હાથ લેવાના બનાવમાં એક પદાધિકારીને નેતાના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું.

અસરગ્રસ્તોના હાલહવાલ પૂછવા ગયેલ એક પેરેસુટ નેતા નાગરિકો વચ્ચે ઘેરાઈ ગયા હતા. અનેક પ્રશ્નો અને સમસ્યાઓ કહી નાગરિકોએ સમાધાન લાવવાની માંગણી કરી હતી. જેને લઈને નેતા અકળાયા હતા અને હાજર જેએમસીના પદાધિકારી પર નજર કેન્દ્રિત કરી હતી. નાગરિકોની સામે જ પદાધિકારીને નેતાએ ખખડાવી નાખ્યા હતા. જો લોકોના કામ ના થાય તો પદ છોડી ઘરે બેસી જવા સુધી નેતાએ પદાધિકારીને સુણાવી દીધું હતું. મોટાભા થઇને વિસ્તારમાં ફરતા આ નેતા પાસે અન્ય કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો, નેતાની સામે મોઢું વકાસુ કરી બધી વાત સાંબળી લીધી હતી. બીજી તરફ આ નેતાએ નાગિરકોને તાત્કાલિક સમસ્યા હલની ખાતરી આપી હતી.

સૂત્રોનું માનવામાં આવે તો, આ ઘટના અંગે પદાધિકારીએ તુરંત પોતાના રાજકીય ગુરુને ફોન જોડ્યો હતો પરંતુ તેઓએ કહી દીધું હતું કે, મારી હાલત પણ તારા જેવી જ છે, ‘હાલ આપણી પાસે પાવર જ નથી !!! 

જો કે, એ વાત અલગ છે કે પ્રજા સામે જે નેતાએ પદાધિકારીને ખખડાવ્યા એ નેતાની ખાતરી પણ પોકળ સાબિત થઇ હતી. આ ઘટનાના ૨૪ કલાક બાદ પણ સ્થિતિ એવી જ હતી જેવી નેતાની મુલાકાત દરમિયાન હતી. આ સમગ્ર મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

NO COMMENTS