જામનગર : ઘોર કાળી રાત્રીના ઢળતા પહોર વચ્ચે વાડી વિસ્તારમાં નિરવ શાંતિ વચ્ચે નવ-નવ માસના ગર્ભને જતનથી સિંચન કરનાર પ્રસુતાને એકાએક પીડા ઉપડી, અધકારમાં તમરાઓના મંદમંદ નાદ સાથે ધીમે ધીમે પ્રસુતાનો કણસવાનો શરુ થયેલ અવાજ ધીરે ધીરે વધુ પ્રબળ બન્યો, અર્ધાંગીનીની પીડાથી પીડાયેલ પતિ પાસે કોઈ રસ્તો જ ન હતો. દવાખાને લઇ જવામાં પરિવહન અને ડોક્ટર હોય કે નહી ? એની ભીતિ સતાવી રહી હતી. એવા સમયે શ્રમિક યુવાને ૧૦૮ની સેવાને યાદ કરી, આપાતકાલીન સ્થિતિનો આગાઝ થતા જ ટીમનું વાહન નિરવ અવાજમાં સાયરન વગાડતું પહોચ્યું વાડી વિસ્તારમાં, મેઘલી રાત્રે વીજળીના કડાકાભડાકાના આવાજ શરુ થતા કુત્રિમ વીજ પુરવઠો ખોરવાઈ ગયો, પ્રસુતાને દવાખાને લઇ જવામાં મોડું થઇ જશે એવી સ્થિતિનો તાગ મેળવી ૧૦૮ની ટીમે એક પણ મીનીટનો વિચાર કર્યા વિના જ ત્વરિત નિર્ણય લીધો, એમ્યુલન્સની લાઈટ ચાલુ કરી ઈએમટીએ વાહનમાં જ અને વાડીએ જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય કર્યો, થોડી જ વારમાં તમામ તબીબી વ્યવસ્થા ગોઠવી ટીમે ડીલેવરી કરાવવા વિધિ હાથ ધરી હતી. એમ્યુલન્સની અંદરની લાઈટના પ્રકાશે જ ટીમે પ્રસુતિ કરાવી એક તંદુરસ્ત બાળક અને પ્રસુતાને નવી જીંદગી આપી હતી. પ્રસુતિ થયા બાદ ૧૦૮ની ટીમ સલામત માતા અને બાળકને દવાખાને લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના છે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામના વાડી વીસ્તારની, ઘટનાનું મુખ્ય પાત્ર છે અહી અન્ય જીલ્લામાંથી પેટ્યુ રડવા આવેલ શ્રમિક પરિવારના કમલેશ ભુરીયાની પત્ની ગીતાબેન, અને આ ઘટનામાં મુખ્ય હીરોની ભૂમિકામાં છે ૧૦૮ના ઈએમટી વિશાલ ગોહિલ, પાયલોટ અનિરુધ્ધસિંહ ચુડાસમા,