જામનગર અપડેટ્સ : જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર રહેલ કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને નાસતા ફરતા તેના બે સાગરીતોને સ્પેશ્યલ કોર્ટ દ્વારા હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. પોલીસે આ પ્રકરણમાં તમામ આરોપીઓની મિલકતની આકારણી કરી લીધી છે અને ટૂંક સમયઅમ સીલ કરવા કાર્યવાહીનો ધમધમાટ શરુ થશે. બીજી તરફ આ પ્રકરણના મુખ્ય આરોપી એવો જયેશ પટેલ હાલ લંડન જેલમાં છે અને તેના પ્રત્યાર્પણ માટેની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. એવા સમયે કોર્ટ દ્વારા જાહેર કરાયેલ સમન્સને લઈને ફરી વખત ગુજસીટોક પ્રકરણ જીવંત થયું છે.
જામનગરમાં જયેશ પટેલ આણી મંડળીના વધતા જતા ગુન્હાખોરીના સામ્રાજ્ય પર પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે. સરકારના પૂરતા સહયોગથી હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં કુખ્યાત જયેશ પટેલ અને તેની ગેંગના ૧૬ સભ્યો સામે ગુજસીતોક મુજબ કાર્યવાહી શરુ કરી હતી. જેમાં આજ દિવસ સુધીમાં કુલ બાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જયારે જયેશ પટેલ અને તેના સાગરીતો રમેશ અભંગી, સુનીલ ચાંગાણી અને મહેશ છૈયા હજુ ફરાર છે.
રાજયભરના ચકચારી પ્રકરણમાં પોલીસે ગુનો દાખલ કરી અગ્યાર આરોપીઓને પકડી પાડયા બાદ વકીલ માનસતા અને અન્ય બે સખ્સોને પકડી પાડ્યા હતા. જો કે અન્ય આરોપીઓનો તાગ ન મળતા પોલીસે રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં જાણ કરી હતી. નવ માસ વીત્યા છતાં આરોપીઓ હાથ નહિ લાગતા કે હાજર નહી થતા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓના સરનામે વોરંટ બજાવ્યો હતો પરંતુ આ વોરંટ શેરા સાથે પરત ફર્યો હતો જે સંબંધે પોલીસે કોર્ટને જાણ કરી હતી. ત્રણેય આરોપીઓ નહી મળતા કોર્ટે સપ્તાહ પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં આરોપી જયેશ મુળજીભાઈ રાણપરીયા, સુનીલ ગોકળદાસ ચાંગાણી અને રમેશ વલ્લભભાઈ અભંગીને દિવસ ત્રીસમાં હાજર થવા ફરમાન કર્યું છે. કોર્ટ દ્વારા ગત સપ્તાહે તા. ૧૨/૭/૨૦૨૧ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આગામી તા. ૧૨/૮/૨૦૨૧ના ગાળા દરમિયાન હાજર થઇ જવા ફરમાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ આણી ટોળકીએ શહેરમાં ખંડણી ઉઘરાવવી, જમીન પચાવી પાડવી અને ધાકધમકીઓ અપાવવી તથા ફાઈરિંગ કરી હત્યા પ્રયાસ સુધીના ગુનાઓ આચરી શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. જેને લઈને સરકાર પણ સખ્ત બની હતી અને જયેશ પટેલના નેટવર્કને નાથવા માટે સ્પેશ્યલ એસપી દીપન ભદ્રન, એએસપી નીતેશ પાંડેયની આગેવાની નીચે ટીમ બનાવી ઓપરેશન પાર પાડવા કાર્યવાહી શરુ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન જયેશ પટેલ લંડન ખાતે પકડાઈ ગયો છે. જેને લઈને પ્રત્યાર્પણની પ્રક્રિયા અંતિમ તબ્બકામાં પહોચી હોવાનું જાણવા મળ્યું છે. જયારે રમેશ અને સુનીલનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. પોલીસે છેલ્લા નવા માસના ગાળા દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલ સખ્સોની મિલકતની આકારણી કરી લીધી છે અને ટૂંક સમયમાં મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે.