જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા એક વેપારીના મકાનમાંથી રોકડા રૂપિયા ૬૫ હજાર તેમજ 35 હજારની કિંમતના ઈયર બર્ડ્ઝ સહિત રૂપિયા એક લાખની માલમત્તાની ચોરી કરી જવા અંગે પોતાના ઘરમાં કામ કરતી સફાઈ કામદાર મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં નજીક નાઘેડીમાં રહેતા મયુરસિંહ ચંદ્રસિંહ સોઢા નામના વેપારી યુવાને પોતાના ઘેર સાફ-સફાઈ કરવા માટે આવતી નાઘેડી ગામની મહિલા રૂપલબેન મુકેશભાઈ ભલગામા સામે રૂપિયા એક લાખની માલમતા ની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સફાઈ કામદાર મહિલા કેટલાક સમયથી પોતાના ઘેર ઘર કામ કરવા માટે આવે છે, તેણે ઘરમાં કોઈ ન હોવાથી એકલતાનો લાભ લઈ કબાટમાં રાખેલી રૂપિયા ૬૫ હજારની રોકડ રકમ તેમજ એપલ કંપનીના રૂપિયા ૩૫,૦૦૦ ની કિંમતના બે નંગ ઈયર બર્ડ્ઝ ની ચોરી કરી લીધી હતી.જે અંગે વેપારીને ધ્યાનમાં આવતાં મામલો પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને કામવાળી સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.