જામનગર શહેરની જીજી હોસ્પિટલના ગેટ પાસેથી ગઈકાલે મોડી રાત્રે મળી આવેલ નવજાત શિશુના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી નિષ્ઠુર જનેતાને પકડી પાડી છે. રિસામણે બેઠેલ પરણીતાએ પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધતા ગર્ભ રહી ગયો હતો અને સમાજમાં પ્રતિષ્ઠાની હાનિ થશે તેવા વિચારે પ્રસુતિ બાદ નવજાત શિશુને તરછોડી દીધુ હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેર સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યાના સુમારે ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલના ગેટ પાસેથી પસાર થતાં એમ્બ્યુલન્સ ધરાવતા પ્રૌઢને દરવાજા પાસે એક બાળક રડતું હોવાનું અવાજ આવ્યો હતો જેને લઈને તેઓએ તપાસ કરતા નવજાત શિશુ મળી આવ્યું હતું. આ શિશુને તાત્કાલિક ગાયનેક વોર્ડમાં ખસેડાયા બાદ ન્યુ બોર્ન બેબી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. ઠંડીથી ઠુઠવાઈ ગયેલ બાળકના પલ્સ રેટિંગ, બીપી સહિતની ચકાસણી કરી તબીબોએ સારવાર શરૂ કરી હતી. બીજી તરફ સીટી બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે અજ્ઞાત જનેતા સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે રસ્તાઓ પરના જુદા જુદા સ્થળોએથી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા જેમાં એક રીક્ષાની શંકાસ્દ આવાગમનની તસવીરો સામે આવી હતી. જેને લઇને તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ખેતીવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની પરણીત પુત્રી ત્રણ વર્ષ થયા રિસામણે આવી હતી. સાસરીયાઓ સાથે મનદુઃખ થતા રિસામણે આવેલ પત્નીને એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ અનૈતિક સંબંધની આડમાં યુવતીને ગર્ભ રહી ગયો હતો. દરમિયાન ઘટનાની રાત્રે પ્રસુતિની પીડા ઉપડતા તેણીએ હોસ્પિટલ સુધી જવાનો પ્રયાસ કર્યો હતો જોકે રસ્તામાં જ ડીલેવરી થઈ ગઈ હોવાનું સીટી બી ડિવિઝન પોલીસના તપાસ કરતાં પીએસઆઇ એ જણાવ્યું છે. પોતાનું પાપ સામે આવી જશે એવી દહેશતથી તેણીએ બાળકને જીજી હોસ્પિટલના ગેટ પાસે તરછોડી દીધું હતું અને તેણીની પરત ઘરે ફરી ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે જનેતા સુધી પહોંચી ગઈ છે અને તેની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા જનેતા અને તેના બાળકનો ડીએનએ ટેસ્ટ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળક અને જનેતાના ભવિષ્યને ધ્યાને રાખી બંનેની ઓળખ જાહેર કરવા આવી નથી.