જામનગર : જામનગર એસીબીએ ગઈ કાલે બપોરે આઈટીઆઈના ગેઇટની સામે ટ્રેપ ગોઠવી મોરબી જીલ્લાના હળવદ તાલુકાના હેડ કોન્ટેબલ વતી લાંચ લેતા એક સખ્સને પકડી ઉઠવી લીધો છે. દારુ કેસમાં નામ નહિ ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા પકડી પાડ્યો છે. બીજી તરફ હેડ કોન્ટેબલની પણ મોરબી પોલીસે ધરપકડ કરી જામનગર એસીબીને હવાલે કર્યો છે. જામનગર એસીબીએ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ હેડ કોન્સ્ટેબલે અન્ય પ્રકરણની તપાસ દરમિયાન કોઈ લાંચ લઇ અપ્રમાણસરની મિલ્કત બનાવી છે કે કેમ અને તેના બેંક એકાઉન્ટ સહીતની વિગતો માટે એસીબીએ તજવીજ શરુ કરી છે.
આ ટ્રેપની વિગત મુજબ મોરબી જીલ્લાના દારુ પ્રકરણમાં જામનગરના એક સખ્સની સંડોવણી ખુલતા હેડ કોન્ટેબલ પ્રવીણભાઈ જસમતભાઈ ચંદ્રાલા ઉર્ફે પટેલભાઈ વર્ગ ત્રણનાઓએ તપાસ શરુ કરી હતી. જેમાં જામનગરના સખ્સને આ ગુન્હામાં નામ નહી ખોલવાના અવેજ પેટે રૂપિયા ૭૦ હજારની માંગણી કરી હતી. થોડી રકજક બાદ મામલો રૂપિયા ૪૦ હજાર પર આવ્યો હતો. જામનગરના સખ્સને આ રૂપિયા પણ આપવા ન હોય તેથી તેઓએ જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા એસીબી પીઆઈ એ ડી પરમાર સહિતની ટીમે ગઈ કાલે જામનગર ખાતે આઈટીઆઈના ગેઇટ પાસે ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપી રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. બીજી તરફ મોરબી એસીબીની ટીમે હળવદના હેડ કોન્સ્ટેબલને ઉઠાવી લઇ જામનગર એસીબીને હવાલે કર્યો છે.એસીબી જામનગરે બંને આરોપીઓને આજે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરશે. બીજી તરફ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પટેલે અન્ય કોઈ તપાસ દરમિયાન લાંચ લીધી છે કે કેમ ? તેમજ તેઓની મિલ્કતની ખરાઈ કરવા તેમજ બેંક એકાઉન્ટ સહિતનો તાગ મેળવવા એસીબીની એક ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.