જામનગર જીલ્લા જેલમાં ગઈ કાલે સ્થાનિક જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમીયાન ચાર મોબાઈલ મળી આવ્યા હતા. ચાર નમ્બરના યાર્ડમાંથી બાથરૂમના પગથીયા અને બે મોબાઈલ કેદીના બિસ્તર અને થેલામાંથી મળી આવતા વ્હાર કેદીઓ સામે ફોજદારી રાહે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
વારે વારે અને સમયાંતરે વિવાદમાં આવતી રહેતી જીલ્લા જેલ ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. ક્યારેક કેદી વચ્ચે ગજગ્રાહ, ક્યારેક કેદીઓ અને જેલ સ્ટાફ સાથે ઘર્ષણ સહિતના મુદ્દે જેલ હમેશા વિવાદમાં રહી છે. ત્યારે આ વખતે પ્રતિબંધિત મોબાઈલ જેલ અંદરથી મળી આવતા ફરી જેલમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. ગઈ કાલે જીલ્લા જેલ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જેલના યાર્ડ નં ૦૪ ના બેરેક નંબર ૪ તથા ૫ માં ચેકિંગ દરમિયાન ચાર મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં બાથરૂમના પગથીયા નીચે કેદી સંદીપ શાંતારામ શીંદે તથા અર્જુન ઉર્ફે લાલો રમેશભાઇ રાઠોડએ સંતાડેલ બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જયારે શની શામજીભાઇ ઝાલા (મકવાણા) અને હુશેન વલીમામદ સુમરાણીના બિસ્તર તથા થેલા ચેક કરતા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ચારેય ફોન કબજે કરી ઇન્ચાર્જ જેલ અધિક્ષક નીરૂભા ખુમાનસિંહ ઝાલાએ ચારેય કેદીઓ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સીટી એ ડીવીજન પીઆઈ જલુ સહિતના સ્ટાફે જેમ પહોચી તપાસ શરુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.