જામનગર : શહેર-જિલ્લામાં ફુકાયો ભારે પવન, ક્યાં કેટલું નુકશાન ? આખી રાત તંત્ર દોડતું રહ્યું

0
1977

જામનગર અપડેટ્સ : સમગ્ર જીલ્લા વાસીઓના જીવ આખી રાત અધ્ધર રહ્યા હતા. વાવાઝોડાના ખતરાના પગલે અનેક પરિવારો આખી રાત જાગ્યા હતા. તો  પ્રસાસન અને લોકપ્રતિનિધિઓ પણ મેદાનમાં રહી સતત નિરીક્ષણ અને ડાયરેક્શન આપતા રહ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે રાત્રે ૪૬ સ્થળોએ વૃક્ષો કે વૃક્ષોની ડાળીઓ ધરાસાઈ થયાની ફરિયાદો મળતા ફાયર તંત્રના જવાનો રાતભર દોડતા રહ્યા હતા. બીજી તરફ જીલ્લાભરમાં વીજ કપનીના સાડા ત્રણસો ઉપરાંત ફીડરો નુકશાનગ્રસ્ત બનતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ તંત્રના દાવા મુજબ બંને જીલ્લામાં ૩૬૬ ગામડાઓમાં ખોરવાયેલ વીજ પુરવઠો સવાર સુધીમાં પૂર્વવત કરાયો હોવાનો વીજ તંત્રએ દાવો કર્યો છે.

તૌકતેના ભય તળે આખી રાત વિતાવવા સમગ્ર હાલાર વાસીઓ મજબુર થયા હતા. ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રી પસાર થઇ હતી. રાત્રે આગ્યાર વાગ્યાથી વાવાઝોડાની અસર શરુ  થઇ હતી. આખી રાત સુધી ૩૦ થી ૪૦ કિમીની ગતીએ પવન ફુકાયો હતો. મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં રાત્રી દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઇ થવા અંગેની ફરિયાદો 46ના ફોન કોલ આવ્યા હતા. જેમાંથી સાત ફરિયાદો વૃક્ષ ધરાસાઈ થયા હોવાની તથા  અન્ય જગ્યાએ નાની મોટી ડાળીઓ તુટી પડવાની ફરિયાદ મુખ્ય હતી. શહેરના પટેલ કોલોની વિસ્તાર, હિમતનગર વિસ્તાર, જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ઝુલેલાલના મંદિર નજીક અને દિગ્વિજય પ્લોટ વિસ્તાર સહિત સાત જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાઇ થયા હતા.

આ તમામ ફરિયાદોના પગલે ફાયરની ઓપરેશન ટીમ સવાર સુધી દોડતી રહી હતી. બીજી તરફ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના 366 ગામોમાં ભારે પવનને કારણે વીજ પુરવઠો  ખોરવાયો હતો. જેને લઈને સવાર સુધીમાં 123 ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. જયારે 243 ગામડાઓમાં પીજીવીસીએલની ટીમો દ્વારા સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે જામનગર શહેરના ચાર જોનમાના 16 ફીડરો બંધ થયા હતા. જે પૈકી સવાર સુધીમાં 12 ફીડરોમાં સમારકામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. વીજતંત્રના દાવા મુજબ બાકી રહેલ વીજ ફોલ્ટ સાંજ સુધીમાં સમારકામ પૂર્ણ કરી પૂર્વવત કરવામાં આવશે.

NO COMMENTS