જામનગર : જામનગર જીલ્લામાં આ વખતે મેઘરાજાએ શરુઆતથી જ મનમુકીને હેત વરસાવ્યું છે. મોન્સુન અંત તરફ છે છતાં મેઘરાજા હાલારને છોડીને ખમૈયા કરવા માંગતા જ ન હોય તેમ જામજોધપુર પંથકમાં ગઈ કાલે ઝાપટાથી અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
જામનગર જીલ્લાના અન્ય તાલુકાઓને બાદ કરતા એક માત્ર જામજોધપુર તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. જેમાં જામજોધપુર તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડ્યો છે જેમાં તાલુકા મથકે ઝાપટા રૂપે છ મીમી, શેઠ વડાળા ગામે અડધો ઇંચ જામવાડી, ધ્રાફા, ધૂનડા, પરડવા સહિતના ગામડાઓમાં ઝાપટાઓ પડ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સીજનનો સૌથી વધુ વરસાદ જામજોધપુર પંથકમાં પડ્યો છે એમાય તાલુકાનું પરડવા ગામ તો ચેરાપુંજીમાં તબદીલ થયું હોય તેમ જીલ્લાનો સૌથી વરસાદ અહીં નોંધાયો છે.