જામનગર : જામનગરમાં પણ સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. યાદવનગર વિસ્તારમાં રહેતી એક સગીરા પર છ દિવસ પૂર્વે ચાર નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાને લઈને પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને ચાર પૈકીના ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. ચાર પૈકી એક આરોપી સાથે સગીરાને મિત્રતા હોવાનું પણ સામે આવ્યું છે.
જામનગરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ શહેરના યાદવનગર વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતા એક પરિવારની સતર વર્ષીય પુત્રી પર ગત તા. ૨૮મીના રોજ ચાર નરાધમોએ દિવસ દરમિયાન સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ચાર પૈકીના એક યુવાન સગીરાને મિત્રતા હોવાનું પોલીસે જણાવ્યું છે. મિત્રના ઘરે ગયેલ સાગીરા પર મિત્રએ જ નજર બગાડી અન્ય મિત્રોને પણ બોલાવી લીધા બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો જાહેર થઇ છે. સુત્રોનું માનવામાં આવે તો આરોપીઓએ ઘેનની ટીકડીઓ ખવડાવી સાગરાને બેસુધ્ધ કર્યા બાદ જધન્ય કૃત્ય આચર્યું હતું. સામુહિક બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ બે દિવસ પછી માતાને જાણ કરતા સમગ્ ઘટના સામે આવી છે. સમાજમાં બદનામી અને આરોપીઓને ધમકીથી ડરી ગયેલ સગીરા અને તેની માતાએ મોડે મોડેથી હિમ્મત રાખી પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે. જેને લઈને પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી ચાર પૈકીના ત્રણ આરોપીઓ બુદ્ધ ઉર્ફે દર્શન ભાટિયા, મયુર ડાડુ ભાટિયા, દેવકરણ ગઢવીને પકડી પાડયા છે જયારે હજુ એક આરોપી મોહિત ભાટિયા હજુ ફરાર છે. પોલીસે આ બનાવ અંગે સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે. જાણવા મળતી વિગત અનુસાર ભોગગ્રસ્ત સગીરા મહિનાઓ પૂર્વે જ પિતાની છત્રછાયા ગુમાવી છે. ચારેય નરાધમોના કૃત્યને લઈને અંત્યત ગરીબ પરિવાર પર હાલ સંકટ આવી પડ્યો છે. બીજી તરફ શાંત અને છોટી કાશી તરીકેની નામનાં ધરાવતા જામનગરમાં ઘટેલી ઘટનાની સાંસદ પૂનમ માડમે સખ્ત શબ્દોમાં વખોળી કાઢી છે. સાથે સાથે પોલીસે કરેલ કાર્યવાહીને બિરદાવી છે.