જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામના એક મહિલાએ ચાર વીઘા વારસાઈ જમીન પોતાની જાણ બહાર છેતરપિંડી અને વિશ્વાસઘાતથી પડાવી લેવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ કરી છે. આ જમીન તેમની સાવકી પુત્રી અને વકીલ દ્વારા ખોટા દસ્તાવેજ ઉભા કરી વારસાઈ હક્કમાંથી નામ કમી કરાવી નાખ્યા અંગેનો ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના અને હાલ રાજકોટમાં રહેતા મધુબેન ઉર્ફ અરુણાબેન વિનોદભાઈ ભંડેરીએ તેમની સાવકી પુત્રી દર્શીતા અને તેના વકીલ જતીન અનડકટ સામે ફરિયાદ નોંધાવી છે.
વર્ષ 2008માં પ્રથમ લગ્ન બાદ પતિનું અવસાન થતાં અરુણાબેન વિધવા હતા એ જ રીતે ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા વિનોદભાઈ ભંડેરીના પત્નીનું પણ અવસાન થતાં તેઓ પણ સધવા બન્યા હતા. સામાજિક સ્તરે વાત થતા બંનેના બીજા લગ્ન થયા હતા. જોકે પ્રથમ લગ્નમાં અરુણાબેનને એક દીકરો તિલક જ્યારે વિનોદભાઈને એક દિકરી દર્શિતા હતી. આ બંનેએ પોતાના સંતાનોનો ઉછેર કરવાની જવાબદારી સાથે બીજા લગ્ન કર્યા હતા. દરમિયાન વર્ષ 2022 માં વિનોદભાઈનું અવસાન થયું અને અરુણાબેન બીજી વખત વિધવા થયા, જોકે અવસાન પૂર્વે દીકરી દર્શિતાના જામનગર ખાતે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોતાના પતિ વિનોદભાઈની હયાતીમાં તેઓએ પાર્ટનર સાથે લતીપર ગામે આઠ વિઘા જેટલી જમીન લીધી હતી. જે જમીનના ચાર વીઘા જમીન પોતાના પતિના નામે આવી હતી. આ જમીન પોતાની જાણ બહાર સાવકી પુત્રી દર્શિતાના નામે થઈ ગઈ હોવાની જાણ થતા અરુણાબેને તપાસ કરાવી હતી.
જેમાં પતિના અવસાન બાદ વર્ષ 2023 માં વકીલ જતીન અનડકટની હાજરીમાં રૂપિયા 50ના સ્ટેમ્પ પર વારસાઈ હક કમી કરતી પોતાના નામની અરજી-સોગંધનામું કરવામાં આવ્યું હતું, જેમાં આ માત્ર મધુબેન નામથી સહી કરેલ અરજી સોગંદનામાં રૂપે રજૂ કરવામાં આવી હતી. પોતાના નામનું ખોટું સોગંદનામુ તૈયાર કરી મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેના આધારે લતીપર ગામની ચાર વિઘા જમીનમાંથી નામ કમી થયું હતું. આ વાતની જાણ થતા અરુણાબેનસ પુત્રી દર્શિતા અને વકીલ જતીન અનડકટ સામે ધ્રોલ પોલીસને કરવા ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાફ આધારે પીએસઆઇ પીજી પનારા સહિતના સ્ટાફે તપાસ કરી છે.