જામનગર : લગ્ન મંડપમાં એવું તે શું થયુ કે ફેરા ફર્યા વગર જ જાન પરત ફરી, જાણો

0
881

જામનગર : જામનગરમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા એક બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યા છે. શહેરના દિગ્જામ સર્કલ પાસેના વુલનમિલ વિસ્તારમાં સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા નાની વયના વરરાજા સાથેની જાન પરત ફરી હતી. ટીમે લગ્નની  વિધિ અટકાવી અને મંડપ ખોલાવ્યા હતા.

જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જીલ્લા બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળલગ્ન થતા અટકાવ્યા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે તથા ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ એ જામનગર શહેરના વુલનમિલ દિગ્જામ સર્કલ પાસેના વિસ્તારમાં યોજાઈ રહેલા લગ્ન બાળલગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, ચાઈલ્ડ લાઈન- ૧૦૯૮ સાથે રાખીને વુલનમિલ વિસ્તાર ખાતે પહોંચી ગઈ હતી.  ઘટના સ્થળે ૧૮ વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ અંદાજે ૨૦ વર્ષના યુવક – સગીરા અને તેમના માતા-પિતાને સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જામનગરના બાળલગ્ન પ્રતિબંધક અધિકારીના સમજાવ્યા બાદ સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. જ્યારે યુવતીની ઉંમર ૧૮ વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. દરમિયાન ટીમે પૃચ્છા કરતાં વરરાજાની ઉંમર ૨૦ વર્ષ  હોવાનું જણાયું હતું. જે આધારે સમાજ સુરક્ષા ટીમે ત્યાં જઈને તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે ૨૦ વર્ષ (અંદાજે) અને ૧૪ વર્ષ હોવાનું જણાયું હતું. જેથી સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે સાથે બંને પક્ષોએ વર ૨૧ વર્ષનો થાય અને કન્યા ૧૮ વર્ષના થાય પછી જ લગ્ન કરાવવાનું કહ્યું  હતુ. આમ જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી બાળલગ્ન અટકાવવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં આજે પણ બાળ લગ્ન થઈ રહ્યા છે. જામનગર ખાતે આ વર્ષ દરમિયાન  હાલ સુધીમાં જામનગર જીલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ છઠ્ઠા લગ્ન અટકાવવામાં આવ્યા છે જે સામાજિક દૂષણને નાબૂદ કરવા માટેની તંત્રની પ્રતિબધ્ધતા દર્શાવે છે, સાથે જ નાગરિકો અને વાલીઓએ પણ આ વિષે જાગૃત થઇ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારવું આવશ્યક છે તેવો સંદેશો પણ આપે છે. 

બાળ લગ્ન કરવા કે કરાવવા ગેરકારદેસર

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ જોઇએ તો સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર ૦૨ વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા ૦૧ લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.

બાળ લગ્ન થતા અટકાવવા આટલું કરીએ સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર/આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે અથવા થાય છે તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (૦૨૮૮-૨૫૭૦૩૦૬), જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી (૦૨૮૮-૨૫૭૧૦૯૮), ચાઈલ્ડ હેલ્પ લાઈન (૧૦૯૮) પર આપ લેખિત/ટેલીફોનીક જાણ કરી શકો છો. જેથી સમાજમાં બાળલગ્ન નાબુદ કરવા માટે સહીયારો પ્રયાસ અને કામગીરી થઇ શકે.

NO COMMENTS