જામનગર: અતિવૃષ્ટિ સર્વેમાં બાકી રહેલ ખેડૂતો નામાંકન કરાવે, સહાય મળશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

0
3717

જામનગર જીલ્લા સહીત રાજયના 20 જિલ્લાઓમાં ઓગસ્ટ માસ દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે ખરીફ પાકને નુકસાની પહોચી છે. અતિવૃષ્ટિને લઈને પાક નુકસાની થતા રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું પરંતુ ગામે ગામથી ખેડૂતોની ફરિયાદો સામે આવવા લાગી અમારા ખેતરનો સર્વે જ થયો નથી. જેને લઈને હવે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મહત્વની જાહેરાત કરી છે. જે ખેડૂતો સર્વેથી વંચિત રહી ગયા છે તેઓએ આગામી ૧૧મી નવેમ્બર સુધી ગામના તલાટી પાસે પોતાની અરજી આપી સર્વે કરાવી શકે છે.ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 20 જીલ્લાઓ માટે ૧૬૦૦ કરોડ ઉપરાંતનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

જામનગર સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઓગસ્ટ માસમાં પડેલા ભારે વરસાદના  કારણે મગફળી અને કપાસ સહિતના ખરીફ પાકને ભારે નુકસાની પહોહ્ચી હતી. જેને લઇ ખેડૂતોની હાલત કફોળી થઇ ગઈ હતી. લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાયા બાદ રાજ્ય સરકારે 20 જિલ્લાઓમાં સર્વે કાર્ય કરાવવામાં આવ્યું હતું. જો કે અનેક ગામડાઓમાં કાગળ પર સર્વે થઇ ગયો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે કારણકે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યા બાદ જે ખેડૂતોની યાદી પંચાયત સામે રાખી છે તેમાં અનેક ખેડૂતો સર્વેથી વંચિત રહી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે.

રાજ્યના ૬૮૦૦ ગામડાઓમાં અનેક ખેડૂતોના ખરીફ પાકને નુકસાન પહોચ્યું છે જે પૈકીના અનેક ખેડૂતો સર્વેથી વંચિત રહી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. ખેડૂતોનો રોષ આસમાને પહોચ્યો છે. ત્યારે રાજ્યના કૃષિ પ્રધાને મહત્વનું નિવેદન આપ્યું છે. દિવાળીના દિવસે વિકાસ કાર્યના સમારોહમાં જામનગરમાં ઉપસ્થિત રહેલ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં અનેક ખેડૂતો સર્વેથી વંચિત રહી ગયાની વાતનો સ્વીકાર કરી અનેક ફરિયાદો પોતાના સુધી પહોચી હોવાનું જણાવ્યું હતું જો જે સર્વેથી વંચિત રહી ગયા છે એ ખેડૂતો હજુ પણ પોતાની અરજી કરી શકે છે આગામી ૧૧ નવેમ્બર સુધી અરજી કરી નુકસાની સહાય મેળવી શકશે, કોઈ  ખેડૂત સર્વેથી વંચિત રહી ગયા હોય તેઓએ તલાટી પાસે જઈ પોતાની પાક નુકસાની અંગે અરજી કરી શકે છે જેથી તેઓને રાહત પેકેજનો લાભ મળી શકે.

રાજ્ય સરકારનું કૃષિ સહાય પેકેજ

(૧)ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૨,૫૦૦ સહાય મળી કુલ રૂ.૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

(૨)વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦ સહાય મળી કુલ રૂ.૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.


(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે રૂ. ૪૭૫.૭૧ કરોડ, પિયત પાકો માટે રૂ. ૯૪૨.૫૪ કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે રૂ.૧.૩૭ કરોડ મળી કુલ રૂ. ૧૪૧૯.૬૨ કરોડ સહાય ચૂકવવામાં આવશે

NO COMMENTS