જામનગર : ટેકાના ભાવે મગફળી ખરીદીને ખેડૂતોનો જ ‘ટેકો’ નહી, કેમ ?

0
678

જામનગર જીલ્લાના છ માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો. ખુલ્લા માર્કેટમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ અને તુરંત પેમેન્ટને લઈને ખેડૂતોનો જોક ખુલ્લા માર્કેટ તરફ રહેતા ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયામાં ભાગ લેવા ખેડૂતો નીરસ રહ્યા છે. પખવાડિયાની  ખરીદી પ્રક્રિયામાં એસએમએસથી લેવાવાયેલ ખેડૂતો પૈકી માત્ર ૧૨ ટકા ખેડૂતોએ જ ખરીદ પ્રક્રિયામાં રસ દાખવ્યો છે.

રાજ્યના કેબીનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલે લાભ પાચમથી  જામનગર જીલ્લામાં સતાવાર રીતે ટેકાના ભાવની મગફળી ખરીદ પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો. જામનગર જીલ્લામાં કુલ છ માર્કેટિંગ યાર્ડ પર ખરીદી પ્રક્રિયાના પ્રારંભ પૂર્વે ૩૩૩૬૩ ખેડૂતોએ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં છેલ્લા પખવાડિયામાં ૯૬૧૭ ખેડૂતોને બોલાવાયા છે. જેમાં માત્ર ૧૧૭૬ એટલે કે માત્ર ૧૨.૨૨ ટકા ખેડૂતો પોતાની મગફળી લઇ યાર્ડ ખાતે પહોચ્યા હતા. જેમાં જામનગરમાં ૧૯૦૦ ખેડૂતોને કરાયેલ મેસેજ બાદ ૧૬૧, જોડિયામાં ૨૫૫૭ ખેડૂતોને બોલાવાયા બાદ ૧૦૩, ધ્રોલમાં ૧૦૫૦ ખેડૂતોને બોલાવાયા બાદ ૨૫૭, કાલાવડમાં ૧૧૧૦ ખેડૂતોને કરાયેલ એસએમએસ બાદ ૨૨૭ ખેડૂતો, લાલપુર કેન્દ્ર પર ૧૪૦૦ ખેડૂતોને કરાયેલ મેસેજ બાદ ૨૨૮ અને જામજોધપુર યાર્ડના કેન્દ્ર પર ૧૬૦૦ ખેડૂતોને કરાયેલ મેસેજ બાદ ૨૦૦ ખેડૂતોએ ટેકાને ટેકો આપ્યો હતો.  

ખુલ્લા માર્કેટમાં ૯૫૦થી માંડી ૧૬૦૦ રૂપિયા સુધીના ઉપજતા ભાવ તેમજ રોકડા પેમેન્ટના કારણે ખેડૂતોએ ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયામાં ઓછો રસ દાખવ્યો હોવાનું ખુદ ખેડૂતો કહી રહ્યા છે.

NO COMMENTS