જામનગરમાં આયુર્વેદ કોલેજમાં નોકરી કરતા એક મહિલા સાથે 15,00,000 ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. દિલ્હી એરપોર્ટના કર્મચારી તરીકેની ઓળખ આપી અજાણ્યા શખ્સે ફોન કરી મહિલાના આધારકાર્ડ નંબર ધરાવતા પાર્સલમાંથી ડ્રગ્સ, પાસપોર્ટસ અને રોકડ રૂપિયા મળ્યા હોવાની વિગતો આપી, નકલી પોલીસને ઇનવોલ્વ કરી જુદી જુદી કાયદાકીય સ્કીમના નામે તેણી પાસેથી 15 લાખની રકમ પડાવી લીધી હોવાની વિગતો બહાર આવી છે.
હેલો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી થી કસ્ટમ ઓફિસર આશિષ સરમાં બોલું છું મારી ઓફિસ એરપોર્ટ ટર્મિનલ નંબર ત્રણ માં છે તમારા આધાર કાર્ડ નંબર વાળું એક પાર્સલ આવેલ છે જેનું શિપિંગ લોકેશન દિલ્હીથી કંબોડિયા છે. તારીખ 16 મી જૂન ના રોજ dhl કુરિયર માંથી પાર્સલ મોકલેલ છે. આ પાર્સલમાં આઠ ટ્રાવેલિંગ પાસપોર્ટ પાંચ ક્રેડિટ કાર્ડ 4kg કપડાં અને 170 ગ્રામ એમડીએમએ તેમજ ₹ 45000 ની ભારતીય ચલણ છે. તમે બે કલાકમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ની ઓફિસે પહોંચો અને ફરિયાદ કરો.
તારીખ 20 મી જૂન ના રોજ આયુર્વેદ કોલેજમાં નોકરી કરતા એક મહિલાને અજાણ્યા વ્યક્તિ એ ફોન કરી ઉપરોક્ત વિગતો જણાવી હતી જેને લઈને તેણીની ગભરાઈ ગયા હતા અને તેઓએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે આવું મેં કોઈ કાર્ય કર્યું જ નથી. દરમિયાન આજ દિવસે સાંજે ફરી વખત મહિલાને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અજાણી વ્યક્તિ whatsapp પર ફોન કરી, પાર્સલ બાબતે નિવેદન નોંધાવવાની વાત કરે છે, આ whatsapp કોલના વીડિયોમાં મહિલાને વસંત કુંજ દિલ્હીનું પોલીસ સ્ટેશન બતાવવામાં આવે છે અને પોતે કોસ્ટેબલ યશદીપ માદી હોવાનું જણાવે છે. ત્યારબાદ આ વ્યક્તિ મહિલાના આધારકાર્ડ ની વિગતો ચેક કરાવે છે.
આ ફોન કોલ બાદ બીજા દિવસે એટલે કે 21મી જૂનના રોજ સવારે 9:30 વાગ્યે સબૂતકુમાર જયસ્વાલ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર તરીકેની ઓળખ આપી અજાણી વ્યક્તિ વિડીયો કોલ કરે છે અને પાર્સલ બાબતે જુદા જુદા પ્રશ્નો કરે છે. ત્યારબાદ આ વ્યક્તિ મહિલાને આરબીઆઈ વેરિફિકેશનની સલાહ આપે છે અને તે માટે એક એકાઉન્ટ નંબરમાં રૂપિયા 15 લાખ ટ્રાન્સફર કરી દેવાનું કહે છે. રૂપિયા ૧૫ લાખની રકમ જમા થયા બાદ બે કલાકના ગાળામાં પરત મળી જશે એમ પણ મહિલાને જણાવવામાં આવે છે ત્યારબાદ ગભરાઈ ગયેલી મહિલા પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા ૧૫ લાખની રકમ અજાણી વ્યક્તિએ આપેલા બેન્ક એકાઉન્ટના ખાતા નંબર પર જમા કરાવી આપે છે. સાંજે આ વાત તે તેના પરિવારને કરે છે જેને લઈને પરિવારના સભ્યોને શંકા જોતા સાયબર થઈ હોવાની વિગતો સામે આવે છે. આ ઘટના બાદ તેણીએ પરિવારની સલાહ લઈ સાઇબર ક્રાઇમ પોલીસ દ્ફત્તર જામનગરમાં અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.