જામનગર : ગામઠાણ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે ?તો આ સમાચાર છે અગત્યના

0
855

જામનગર અપડેટ્સ :  રાજય સરકાર દ્વારા ગામઠાણ યોજના અન્વયે જામનગર જિલ્લાના ૩૨ ગામોમાં ગામઠાણ મોજણી અંગેની કામગીરી ચાલી રહી છે.આ યોજનાના પરિણામ સ્વરૂપ મિલકતધારકોને પ્રોપર્ટીકાર્ડ એનાયત કરવામાં આવે છે જે મિલકતના રેવન્યુ રેકર્ડ તરીકે ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ છે.

હાલના તબક્કે જામજોધપુર તાલુકાના સડોદર, સતાપર, વાંસજાલીયા, તરસાઇ, મોટી ગોપ. જામનગર તાલુકાના ધુતારપર, આમરા, લાખાબાવળ, જામવંથલી, જીવાપર, સચાણા, મસિતીયા, જાંબુડા, શાપર, અલિયા. લાલપુર તાલુકાના સીંગચ, ઝાંખર, પડાણા, ભણગોર, પીપરટોડા, નાંદુરી. કાલાવડ તાલુકાના મુળીલા, નવાગામ, નિકાવા, મોટા વડાળા, પીપર, આણંદપર, ખરેડી તેમજ જોડિયા તાલુકાના પીઠળ, બાલંભા,  કુન્નડ,  કોયલી ખાતે એજન્સી દ્વારા હાલ કામગીરી હાથ ધરાયેલ છે. જેમાં ધુતારપર, આમરા, લાખાબાવળ, જામવંથલી, જીવાપર, મસિતીયા, જાંબુડા, સાપર, પડાણા, મુળિલા, નવાગામ, નિકાવા, મોટા વડાળા, પિપર, આંણદપર, કુન્નળ, અલિયા તથા ખરેડી ખાતે માપણીની કામગીરી પુર્ણ થયેલ છે.

માપણી પૂર્ણ થયેલ ઉપરોક્ત ૧૮ ગામોમાં પ્રોપર્ટીકાર્ડમાં નામ દાખલ કરવા માટે આધાર પુરાવા એકઠા કરવાની કામગીરી ડી.આઈ.એલ.આર. કચેરી જામનગર દ્વારા અધિકૃત થયેલ કર્મીઓ મારફત કરવામાં આવી રહી છે. જે માટે મિલકત ધારકે માલિકીના પુરાવા તરીકે લેખ, વેચાણ દસ્તાવેજ, ગામ નમુના નં-૨, આકારણી રજીસ્ટરનો ઉતારો, નવો તેમજ ૩૦ વર્ષ જુનો સરકાર દ્વારા ફાળવેલ મફત પ્લોટ, ઇન્દિરા આવાસ, સો વારના પ્લોટો અંગેની સનદ, સરકારી હુકમ, ભાડા પટ્ટાનો આધાર, હરાજી પ્લોટોનો આધાર, વિલ લેખ, બક્ષિશ લેખ, બિનખેતી થયેલ જમીનોના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ, મંજુર થયેલ નકશા, પ્લાન, હુકમ વિગેરે જેવા પુરાવાઓ રજુ કરવાના રહે છે. આ પુરાવા મિલકતધારકો દ્વારા સમયસર પુરા પાડવામાં આવે ત્યારબાદ તેમના નામે પ્રોપર્ટીકાર્ડ બનશે. સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં ગ્રામજનો તથા સ્થાનિક સંસ્થા દ્વારા પુરતો સહકાર આપવા તથા મિલકતધારકો દ્વારા પોતાની માલિકીના ઉપર મુજબના પુરાવાઓ રજુ કરવા ડી.આઇ.એલ.આર. જામનગર દ્વારા અનુરોધ સહ જાણ કરવામાં આવેલ છે.

NO COMMENTS