જામનગર : જામનગરના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારીને ગાંધીનગર એસીબીની ટીમે પાંચ લાખની રોકડ સાથે પકડી પાડ્યા બાદ અધિકારીએ તો ‘માલ’ બનાવી લીધો હોવાની વિગતો સામે આવી છે. એસીબીની સંપૂર્ણ તપાસમાં પ્રથમ ૭૨ લાખના દાગીના અને ૫૫ લાખની રોકડ મળી આવ્યા બાદ પત્ની અને પુત્રીના નામે પોણા ચાર કરોડની ચાર શહેરોમાં ૨૫ મિલકતો હોવાનું સામે આવ્યું છે. આજે કોર્ટે સસ્પેન્ડ થઇ ચુકેલા અધિકારીની રેગ્યુલર જમીન અરજી પણ રદ કરી છે.
જામનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના અધિકારીને તાજેતરમાં ગાંધીનગર એસીબીની ટીમે જામનગરથી નીકળી પોતાના નિવાસ્થાને પહોચે તે પૂર્વે જ કારમાંથી જ આંતરી લીધા હતા, મૂળ જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના મેખડી ગામના ભાયાભાઈ ગીગાભાઈ સુત્રેજા (ક્લાસ વન અધિકારી)ની કાર માંથી રૂપિયા પાંચ લાખની રોકડ મળી આવી હતી. જેને લઈને એસીબીની ટીમે તેના ઘરની તલાસી લીધી હતી જેમાં વધુ પાંચ લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. દરમિયાન ગાંધીનગર એસીબી કચેરીમાં આ અધિકારી વિરુદ્ધ અપ્રમાણસરની મિલકત સબંધિત ગુનો દાખલ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી સઘન તપાસ ચલાવી હતી.
બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જ એસીબીએ પત્રકારો સમક્ષ અધિકારીનો હિસાબ રજુ કર્યો હતો. જેમાં આધીકારીને બેંકના લોકરની તલાસી લેતા અંદરથી બે કિલો (એક કિલો, ૯૯૦ ગ્રામ) સોનું મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાં ૭૨.૨૬ લાખના દાગીનાનો સમાવેશ થાય છે આ ઉપરાંત રૂપિયા ૫૫.૬૯ હજારની રોકડ મળી આવી હતી. આ તમામ સંપતિ બાબતે અધિકારી પાસે કોઈ આધાર પુરાવા મળ્યા નથી એમ પણ એસીબીની ટીમે ઉમેર્યું હતું.દરમીયાન એસીબીની ટીમે અધિકારીના પરિવારજનોની મિલકત અંગેનો તાગ મેળવતા અધિકારી અને તેની પુત્રીના નામેં જુનાગઢ જીલ્લામાં ૬ અને ગાંધીનગર જીલ્લામાં ૧૩ તેમજ પોરબંદર જીલ્લામાં ૬ એમ મળી કુલ રૂપિયા ૩,૭૩,૦૦,૬૭૧ના દસ્તાવેજ ધરાવતી કુલ ૨૫ મિલકતો સામે આવી હતી. આ કેસ અનુસંધાને આરોપી તરફથી પ્રથમ સેસન્સમાં રેગ્યુલર જામીનની અરજી કરવામાં આવી હતી જે નામંજૂર થઇ હતી. ત્યારબાદ આરોપી તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે દરમિયાન જ્યુડીશ્યલ કસ્ટડીમાં રહેલ આરોપીનું ચાર્જસીટ રજુ કરવામાં આવ્યું હતું. જેને લઈને અધિકારી તરફથી હાઈકોર્ટમાં કરેલ અરજી પરત ખેચી લેવામાં આવી હતી. ત્યારબાદ આરોપી તરફથી આફ્ટર ચાર્જસીટ સ્પેશ્યલ એસીબી સેસન્સ જજ સમક્ષ રેગ્યુલર જામીનની અરજી કરવામાં આવી હતી. આજે ગાંધીનગર સેસેન્સ કોર્ટે જેલમાં રહેલ આરોપી ભાયાભાઈ સુત્રેજાની રેગ્યુલર જામીન અરજી પણ ફગાવી દીધી છે. જેને લઈને જામનગરના આ અધિકારીનું પ્રકરણ તાજું થયું છે.