જામનગર : હાલ સમાજમાં એવા કેટલાય રાક્ષસ ફરે છે જે માસુમ બાળકીઓ, સગીરાઓની કુમળી મતી અને નાસમજનો ફાયદો ઉઠાવી ફૂલ ખીલે તે પૂર્વે જ કચડી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જામનગર જીલ્લાના ધ્રોલ પંથકમાંથી, જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ એક ગામમાં ખેત મજુરી કરવા આવેલ એક શ્રમિક પરિવારની નવ માસ પૂર્વે બળાત્કારનો ભોગ બનેલ બાળકીએ પુત્રને જન્મ આપ્યો છે. આ બનાવને લઈને બાળકીની માતાએ આરોપી સામે ધ્રોલ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે આજે દવાખાને ખસેડાયેલ ૧૧ વર્ષ, ૧૧ મહિના અને ૨૪ દિવસની ઉમર ધરાવતી બાળકીએ પુત્રને જન્મ આવ્યો છે. પેટમાં દુખાવો ઉપડતા દવાખાને લઇ ગયેલ માં-બાપને ત્યારે ખબર પડી જયારે ડોક્ટરે ડીલેવરી આજે જ કરવાનું કહ્યું, માસુમ પુત્રીની પૂર્ણ સગર્ભાવસ્થાને લઈને અભણ શ્રમિક માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દરમિયાન દવાખાનામાં આ બાળકીએ એક પુત્રને જન્મ આપ્યો છે. ડીલેવરી બાદ તેણીના માતા-પિતાએ તેણીને પૂછતાં સમગ્ર બનાવ સામે આવ્યો હતો. જેમાં નવ માસ પૂર્વે હરીપર ગામની સીમમાં ગાયો ચારવા ગઈ હતી ત્યારે અહીં ભેસો ચરાવતા ભેસદળ ગામના કારા ભરવાડના દીકરા રાજુએ તેણીની નાદાનિયતનો ફાયદો ઉઠાવી બે વખત બળજબરી પૂર્વક શારીરિક સબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ડરી ગયેલ બાળકીએ આજ દિવસ સુધી પરિવારમાં વાત કરી ન હતી. પરંતુ છેવટે આ બનાવ સામે આવી જ ગયો, માસુમ બાળકીની હાલની સ્થિતિ અને પુત્ર જન્મને લઈને હતપ્રભ બની ગયેલ તેણીના માતા પિતાએ સ્થાનિક પોલીસ દફતરે પહોચી આરોપી રાજુ સામે બળાત્કાર અને પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. આ બનાવે ભારે ચકચાર સાથે કરુણતા જન્માવી છે.