જામનગર : નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા 10 હજારની લાંચ લેતા પકડાયા

0
1571

જામનગર અપડેટ્સ : જામનગર શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબીએ લાંચ લેતા પકડી પાડયા છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છેકે એસીબીની ઝપટે ચડેલ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા પકડાયા હતા.

જામનગરમાં સળંગ પાંચમા દિવસે ત્રીજા સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે. શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામતલદાર ચેતન ઉપાધ્યાયે ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરિયાદી વેપારી આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીની ટીમે આરોપી નાયબ મામલતદારની ધરપકડ કરી કચેરીએ લઇ જઈ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ અધિકારી દસકા પૂર્વે પણ લાંચ લેતા પકડાયા હતા. જેની કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ ફરી ક્રીમ પોસ્ટ પર ગોઠવાઈ ગયા હતા. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા જ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
એસીબીએ આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે એમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here