જામનગર : જામનગર જીલ્લામાં કોરોનાએ ફરી વખત વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વધતો જતો ગ્રાફ જીલ્લાભરમાં ચિંતાનો વિષય બન્યો છે. ગઈ કાલનું ચિત્ર તો આવતીકાલનો અંધકાર દર્શાવતો અણસાર આપતું બની રહ્યું છે. એક સાથે ૯૭ દર્દીઓએ અને કોવીડ હોસ્પિટલમાં પાંચના મોત એ આગામી દિવસોને લઈને સારી બાબત નથી. છતાં પણ નાગરિકોએ જે બેદરકારીનું માસ્ક ગ્રહણ કર્યું છે તે ગંભીર પરિણામોના સંકેત આપે છે.
જામનગર જીલ્લામાં જે રીતે કોરોનાનો ગ્રાફ જેટ ગતિએ આગળ વધી રહ્યો છે તે ખરેખર ગંભીર પરિણામ નોંતરનારો બની રહેશે એ બાબત સ્વીકારવી જ રહી સપ્તાહ પૂર્વે એક દિવસમાં નવા દર્દીઓનો જે આંક એક ડીજીટમાં હતો તે આજે ત્રણ અંકોને પાર કરવા જઈ રહ્યો છે. સાથે સાથે કોવિદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના મૃત્યુનું પ્રમાણ વધુ રહેલ સતત પ્રમાણ પણ અતિ ગમ્ભીર બાબત છે. છેલ્લા ચાર દિવસમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ પૈકી ૧૮ દર્દીઓએ દમ તોડ્યો છે. બીજી તરફ ગઈ કાલે વધુ ૯૭ દર્દીઓ નોંધાયા છે. જે અતિ ગંભીર બાબત છે.
નાગરિકોની બેદરકારી જ આ મહામારીના સંક્રમણ માટે જવાબદાર છે. માસ્કથી માંડી રસીકરણ સુધીની કોરોનાની ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. છતાં પણ અનેક નાગરિકોની બેદરકારી નજરે પડી રહી છે જે ભવિષ્ય માટે સારી બાબતની નિશાની નથી. તંત્ર પાસે વાતો કરવા સિવાય કોઈ રસ્તો નથી ત્યારે નાગરિકો જ પોતાની જવાબદારી સમજે તો જ કોરોના સામેની લડાઈ જીતી શકાય બાકી આ મહામારીનો દૈત્ય મોત વિનાશ વેરશે જ.