જામનગર: ઢોરવાડા થી 162 ઢોર હાકી જતાં માલધારીઓ

0
2860

જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં પાવ પાવર હાઉસ વાળા આવાસ ની સામે બનાવવામાં આવેલ ઢોરવાડામાં મોડી રાત્રે ત્રાટકેલા 15 માલધારીઓએ બળજબરીપૂર્વક વાડામાં ઘૂસી 162 ઢોર છોડાવી નાસી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પશુપાલકો પોલીસના ડરથી ત્રણ વાહનો પણ મૂકીને નાસી ગયા હોવાની વિગતો સામે આવી છે.

રાત્રિના દોઢેક વાગ્યાના સમયે વનરાજસિંહ જાડેજા નામના સિક્યુરિટી ગાર્ડ પોતાના ત્રણ અન્ય કર્મીઓ જામ્ભા જાડેજા અને દયાલભાઈ કાંતિલાલ પાટલીયા તેમજ મહેશ કિશનભાઇ પરમાર સાથે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે રોહિત સરવૈયા, નાગરાજ મોરી, ઘેટો ભરવાડ અને નવઘણ રબારી નામના આરોપીઓ મોટરસાયકલ લઇ આવી પહોંચ્યા હતા. ‘અમારા ઢોર આ વાડામાં છે. જે લઈ જવા માટે આવ્યા છીએ’ આ શખ્સો ઉપરાંત અન્ય 11 શખ્સો પણ ડેલા બહાર જોવા મળ્યા હતા ત્યારબાદ આરોપીઓએ વાડામાં પ્રવેશ કરી, લાકડાના ધોકા દેખાડી, ત્રણેય સિક્યુરિટી ગાર્ડને ભયમાં મૂકી, એક ગાર્ડ પાસેથી મોબાઈલ આંચકી લીધો હતો. અન્ય બંનેને કોઈને ફોન ન કરવા ધમકાવ્યા હતા. વાડામાં ઘુસી આવેલા શખ્સોને સિક્યોરિટી સ્ટાફે પોલીસમાં જાણ કરવાનું કહ્યું હતું. જેને લઈને આરોપીઓ ઢોરવાડામાં રહેલ 316 ઢોરમાંથી 162 ઢોર બળજબરીપૂર્વક છોડાવી ગયા હતા અને જતા જતા જામભા પાસેથી ઝૂંટવી લીધેલ મોબાઈલ સ્થળ પર ફેંકી ગયા હતા.

પોલીસ આવી જવાની બીકથી આરોપીઓ ત્રણ મોટરસાયકલ પણ સ્થળ પર છોડી ગયા હતા.. આ ઘટનાને મોડી રાત્રે સિક્યુરિટી સ્ટાફે મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરી હતી. આ બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસે 15 શખ્સો સામે જુદી જુદી ધારાઓ મુજબ ફરિયાદ નોંધી અમુક શખ્સોને ઉઠાવી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડીને અહીં રાખવામાં આવ્યા હતા. જે ઢોર પૈકીના ઢોરનેઆરોપીઓ છોડાવી જતા સનસનાટી મચી ગઈ છે.

NO COMMENTS