જામનગરમાં ‘ઇન્કમટેક્સ નોકરી’ ફેઇમ નટવરલાલે એક પેઢીને લાખો રૂપિયામાં ઉતારી દીધી હોવાની વધુ વિગતો સામે આવી છે. આ જ ઠગબાજના પિતાએ પૈસા ના આપવા પડે તે માટે પોતાનો ઠગબાજ પુત્ર મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું. ‘નટવરલાલ’ મરી ગયો હોવાની જાણ થતાં કારખાનેદાર લાખો રૂપિયાથી મોઢું ફેરવી લીધું હતું પરંતુ તાજેતરમાં જ આ જ મૃત્યુ પામેલો નટવરલાલ પોલીસ ચોપડે જીવંત થતા અને પોલીસે તેની ધરપકડ કરતા કારખાનેદારે તેની અને તેના પિતા સામે રૂપિયા 24 લાખની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
નોકરી વાંછું ઉમેદવારોના વાલીઓના સંતાનોને ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી, ઉમેદવાર અને તેના વાલીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર જામનગરના જ ઠગબાઝ વિશાલ કણસાગરા સામે જુદા જુદા પોલીસ દફતરમાં છ ગુનાઓ નોંધાયા છે પોલીસે આ જુદા જુદા ગુનાઓ સંબંધિત આરોપી વિશાલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઠગબાજે નોકરી અપાવી દેવાની ઠગાઈ ઉપરાંત એક બ્રાસપાર્ટના કારખાનેદારને પણ લાખો રૂપિયામાં ઉતારી દીધા હોવાની વિગતો સામે આવી છે વિશાલ કણસાગરા ઠગાઈમાં પકડાયો હોવાની જાણ થતા ખીમલીયા ગામે રહેતા અને ગામમાં જ બ્રાસનું કારખાનું ધરાવતા કારખાનેદાર રવજીભાઇ પ્રાગજીભાઇ ધારવીયાએ પંચકોશી પોલીસનો સંપર્ક સાધયો હતો.
વર્ષ 2019માં આરોપી વિશાલ હેમંતભાઇએ
હેવલ્સ ઇન્ડીયા લી.કંપનીનો કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી, રવજીભાઈ પાસેથી રૂપિયા 23,98,704ની કિંમતનો બ્રાસના માલ 5 AMP Joint Socket Part અલગ અલગ તારીખે લઇ જઇ પૈસા ચૂકતે કર્યા ન હતા. દીકરા કરતાં બાપ સવાયો નીકળ્યો એક દિવસ રવજીભાઈએ પોતાના રૂપિયાની ઉઘરાણી માટે તેના પિતા હેમંતભાઈ નો સંપર્ક સાધ્યો હતો. જોકે રૂપિયા ન આપવા પડે તે માટે હેમંતભાઇ કણસાગરાએ પોતાનો પુત્ર આરોપી વિશાલ હેમંતભાઇ મરણ ગયેલ હોવાની ખોટી માહીતી આપી હતી. આરોપી મૃત્યુ પામતા પોતાના પૈસા ડૂબી ગયા હોવાનું માની લઈ રવજીભાઈ પોતાના ધંધામાં પરોવ્યા હતા પરંતુ તાજેતરમાં વિશાલ પોલીસના હાથે પકડાઈ જતા તેઓએ પંચકોશી પોલીસ નો સંપર્ક કર્યો હતો અને વિશાલ અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં નટવરલાલના પરાક્રમો સામે આવતા જ ચાર વર્ષ પૂર્વે ની ઠગાઈ સંબંધિત ફરિયાદ નોંધવામાં આવી છે.