જામનગર અપડેટ્સ: જામનગરમાં કામદાર કોલોનીમાં રહેતા વેપારી જીજી હોસ્પિટલમાં દાખલ પિતાની ખબર કાઢવા જતા તેના જ સગાભાઈ અને ભાભીઓએ હુમલો કરી માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ચાર વર્ષ પૂર્વે પરિવારથી અલગ થઇ ભોગગ્રસ્ત મોટો ભાઈ જામનગર રહેવા આવી ગયો હતો. ત્યારથી ભાઈઓ-ભાઈઓ સાથે બોલવા ચાલવાનો વ્યવહાર ન હોવાથી મનદુઃખ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં કામદાર કોલોની શેરી નં-૦૮, અરીહંત એપાર્ટમેન્ટ, પહેલા માળે રહેતા મામદભાઇ અબુભાઇ ખફી તા,૨૯મીના રોજ પોતાના પિતાને જીજી હોસ્પિટલ દાખલ કર્યા હોવાથી પત્નીને સાથે લઇ પિતાના હાવભાવ પૂછવા હોસ્પિટલ ગયા હતા. દરમિયાન રાત્રે તેઓ પિતાને જોઈ હોસ્પિટલ નીચે ઉતરી રસ્તા પરથી ચાલીને જતા હતા ત્યારે નાઘેડી ગામે રહેતા તેઓના સગાભાઈઓ હનીફભાઇ અબુભા ખફી તથા સબીરભાઇ અબુભાઇ ખફી અને બંનેની પત્નીઓ રજીયાબેન સબીરભાઇ ખફી તથા રેશ્માબેન હનીફભાઇ ખફીએ પાછળથી આવી બોલાચાલી કરી હતી.
પ્રથમ બાઈક પર આવેલ ભાઈ હનીફે પાછળથી ઠોકર મારી મામદભાઈને પછાડી દઈ જમણા હાથમાં ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હતી. બંને ભાભીઓએ પત્ની રૂકસાનાબેન પર પથ્થર વડે પ્રહાર કરી માથાના ભાગે મુંઢ ઈજા પહોચાડી માથાકૂટ કરી બીભત્સ વાણીવિલાસ આચર્યો હતો. આ બનાવ બાદ દંપતીએ જીજી હોસ્પિટલમાં સારવાર લઇ મામદભાઈએ ભાઈ અને ભાભીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર વર્ષ પૂર્વે પોતે પરિવારથી અલગ થઇ જામનગર રહેવા આવી ગયા હતા. પરિવારથી અલગ થયા ત્યારે તેઓને ભાઈઓ સાથે બોલાચાલી થઇ હતી અને ત્યારપછી ભાઈઓ સાથે બોલવાનો પણ વ્યવહાર ન હતો. મામદભાઈ પોતાના પિતાને હોસ્પિટલ જોવા ગયા તેને લઈને ભાઈઓ અને ભાભીઓએ માથાકૂટ કરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. સીટી બી ડીવીજન પોલીસે બંને દંપતી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.