જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોરીદળ ગામે રહેતા એક આધેડે પોતાની પત્ની પર શંકા કરી ભાઈ સાથે જ પ્રેમ સબંધ હોવાની વાત કરતા પતિના જ નાના ભાઈ તથા પત્નીએ સાથે મળીને આધેડને ધોઈ નાખ્યા હતા. જેમાં ફેકચર સહિતની ઈજાઓ પહોચતા આધેડને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.
ચર્ચાસ્પદ બનેલ બનાવે જીલ્લાભરમાં ચર્ચાઓ જગાવી છે. કાલાવડના મોરીદળ ગામે દીલીપભાઇ જીણાભાઇ સરમળી નામના ૪૫ વર્ષના આધેડ પર તેના જ પત્ની નયનાબેન અને નાના ભાઈ અશ્વીન ઉર્ફે કાળુભાઇ જીણાભાઇ સરમાળીએ ગઈ તા.૨૩મીના રોજ બપોરે વાડીએ હુમલો કરી સખ્ત માર માર્યો હતો. ભાઈએ ભાઈ પર લોખંડના પાઈપ વડે હુમલો કરી એક ઘા ડાબા હાથના કાંડામા મારી ફ્રેક્ચર જેવી ઇજા પહોચાડી હતી જયારે એક ઘા ડાબા ખંભાના ભાગે મારી મુંઢ માર જેવી ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી બંને વાડીએથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ઘાયલ દિલીપભાઈએ તેમના બનેવી સાથે રાજકોટ પહોચી સારવાર લીધી હતી. આ બનાવ અંગે દિલીપભાઈએ આજે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં પોતાની પત્ની અને નાના ભાઈ સામે આઈપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ગત તા. ૨૩મીના રોજ વાડીએ કામ કરતી વેળાએ પતિ દિલીપે પત્ની નયનાબેન સાથે વાત કરી હતી કે ‘તારે છેલ્લા એકાદ વર્ષથી મારા ભાઇ અશ્વિન સાથે પ્રેમ સબંધ છે’ પતિની આવી શંકાને લઈને તેણીની વાડીએથી ગામમાં જઈ તેના દિયરને વાત કરી હતી. જેને લઈને બંને પરત વાડીએ આવ્યા હતા અને બંનેએ સાથે મળી દિલીપભાઈની ધોલાઈ કરી નાખી હતી. આ બનાવની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.